હવે સ્પુતનિક-Vને ભારતની લીલી ઝંડી

Thursday 15th April 2021 04:01 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના વેક્સિનની અછતના આરે આવીને ઉભેલા ભારતે હવે રશિયાની સ્પુતનિક-Vના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આમ કોરોનાનો સામનો કરવા તેમજ દર્દીઓની સારવાર માટે દેશને ત્રીજી વેક્સિન મળી ગઈ છે. ટૂંક સમયમાં જ રશિયાની વેક્સિન સ્પુતનિક-Vનો જથ્થો ભારત પહોંચી જશે અને તેનો ઉપયોગ શરૂ કરાશે. આ અગાઉ દેશમાં જ બનાવાયેલી કોવિશીલ્ડ તેમજ કોવેક્સિનનો ઉપયોગ શરૂ કરાયો છે. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ રશિયાએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો હતો. ટ્રાયલમાં સ્પુતનિક-V ૯૨ ટકા અસરકારક જણાઈ છે.
ભારત માટે ગેમ ચેન્જર
ભારતમાં હાલ બે વેક્સિન મળે છે. જેમાં કોવેક્સિન ૮૧ ટકા અને કોવિશીલ્ડ ૮૦ ટકા અસરકારક છે. રશિયાની સ્પુતનિક-V જો ઉપયોગમાં લેવાય તો તે ૯૨ ટકા જેટલી અસરકારક છે. ભારતની બંને વેક્સિનનાં દરરોજ ૪ કરોડ ડોઝ બનાવાય છે. જ્યારે જરૂરત દર મહિને ૭ કરોડ ડોઝની છે. આમ માગ પૂરી કરવા સરકારે સ્પુતનિક-Vને મંજૂરી આપતો નિર્ણય કર્યો છે.
અન્ય વેક્સિનને પણ મંજૂરી
દેશમાં કોરોના વેક્સિનની અછત દૂર કરવા માટે સરકારે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ભારત સરકારે દુનિયાના કોઈ પણ દેશમાં સરકારી એજન્સીએ મંજૂર કરેલી કોરોના વેક્સિનને દેશમાં મંજૂરી આપવાના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારે તેના આદેશમાં જે સંસ્થાઓનાં નામ આપ્યાં છે એ અમેરિકા, યુરોપ, બ્રિટન, જાપાન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે.

આ વેક્સિનનો ૭ દિવસ સુધી ૧૦૦ દર્દી પર ઉપયોગ કરાશે. ત્યાર પછી દેશના વેક્સિનેશન કાર્યક્રમમાં એને સામેલ કરાશે. સરકારનો દાવો છે કે આ નિર્ણયથી ભારતમાં વેક્સિન ઈમ્પોર્ટ કરવા અને વેક્સિનેશન કાર્યક્રમમાં ઝડપ લાવી શકાશે. સરકારના આ નિર્ણયથી આ દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવી પણ સરળ બનશે.

સ્પુતનિક-Vનું ભારતમાં ઉત્પાદન
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સ્પર્ટ કમિટિ દ્વારા સ્પુતનિક-Vના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મંગાઇ હતી. ભારતમાં ડો. રેડ્ડીઝ લેબ દ્વારા સ્પુતનિક-Vનું ઉત્પાદન કરાશે. ડીસીજીઆઇ દ્વારા આ મામલે નિર્ણય લેવાયા પછી ૧૦ દિવસમાં સ્પુતનિક-Vનો ભારતમાં ઈમરજન્સી ઉપયોગ શક્ય બનશે. ભારતમાં હાલ તેની આયાત કરાશે. સ્પુતનિક-Vની ૧૮થી ૯૯ વર્ષની વય જૂથનાં ૧૬૦૦ લોકો પર ટ્રાયલ લેવાઇ હતી. આ વેક્સિનને ૫૯ દેશોએ ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ વેક્સિન રશિયાની ગામાલેયા ઈન્સ્ટિટયુટ દ્વારા રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા કરાયેલા ફંડિંગમાંથી બનાવાઇ છે.

સ્પુતનિક-Vની વિશેષતા
મોડર્ના અને ફાઈઝરની mRNA વેક્સિન ૯૦ ટકા અસરકારક છે જ્યારે સ્પુતનિક-V ૯૧.૬ ટકા અસરકારક છે. આ બંને વેક્સિન એડેનો વાઈરસ વેક્ટરથી બનાવાઈ છે. જે કોવિશીલ્ડ જેવી છે. કોવિશીલ્ડમાં ચિમ્પાન્ઝીમાં જોવા મળતા એડેનો વાઈરસનો ઉપયોગ કરાયો છે. જ્યારે રશિયાની વેક્સિનમાં બે અલગ અલગ વેક્ટરોનો ઉપયોગ કરાયો છે. રશિયાએ આ વેક્સિનને સૌથી પહેલા ઓગસ્ટ ૨૦૨૦માં મંજૂરી આપી હતી. આ પછી ૫૯ દેશોએ તેને મંજૂરી આપી છે. યુરોપિય સંઘનાં દેશો પણ તેને વહેલી તકે મંજૂરી આપે તેવી શક્યતા છે.

રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ
સ્પુતનિક-V વેક્સિન ૯૨ ટકા અસરકારક હોવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે એડેનો વાઈરસ પ્લેટફોર્મ પર બનાવેલી છે. આથી તે દર્દીમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કોરોનાનાં ગંભીર લક્ષણો અને મોતને રોકવામાં તે ૧૦૦ ટકા અસરકારક છે. તેનો સિંગલ ડોઝ કોરોના સામે ૮૭.૬ ટકા રક્ષણ આપે છે.

રશિયા અને હૈદરાબાદની કંપની વચ્ચે કરાર
વેક્સિન બનાવવા માટે રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) તેમજ હૈદરાબાદની વિરચો બાયોટેક વચ્ચે ૨૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવા કરાર થયા છે. ભારતમાં વેક્સિન સ્પુતનિક-Vના ૮.૫ કરોડ ડોઝ અપાશે. પરિણામે ભારતની કોરોના સામેની લડાઈ વધુ મજબૂત બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter