હવે ‘ઇસરો’ની સૂર્ય પર નજરઃ ‘આદિત્ય’ના લોન્ચિંગની તૈયારી આખરી તબક્કામાં

Saturday 29th July 2023 12:28 EDT
 
 

મુંબઈઃ સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનો ભારતનો પહેલો સેટેલાઇટ આદિત્ય-એલ1 અંતરિક્ષ પ્રવાસે જવા તૈયાર થઇ ગયો છે. એક અહેવાલ મુજબ, આગામી 26 ઓગસ્ટે સેટેલાઇટ અંતરીક્ષ પ્રવાસે રવાના થશે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)ના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે આદિત્ય-એલ1 તમામ ટેકનિકલ પાસાં સાથે સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયો છે. સેટેલાઇટને લોન્ચ કરવા માટે જરૂરી બધી તૈયારી લગભગ થઇ ગઇ છે. અત્યારે અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલે છે. તમામ કુદરતી પરિબળો સાનુકુળ રહેશે તો આદિત્ય-એલ1 સેટેલાઇટ 26 ઓગસ્ટે બપોરે 12:30 વાગે શ્રીહરિકોટાના સ્પેસ સ્ટેશનેથી અંતરિક્ષમાં ઉડાન ભરશે.
‘ઇસરો’ના ચેરમેન એસ. સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે આદિત્ય-એલ1નું સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનું સૌથી મહત્વનું વૈજ્ઞાનિક ઉપકરણ વિઝિબલ લાઇન અમિશન કોરોનાગ્રાફ (વીઇએલસી) તમામ ટેકનિકલ પાસાં સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (આઇઆઇએ) દ્વારા તૈયાર થઇ ગયું છે. આદિત્ય - એલ1માં કુલ સાત વૈજ્ઞાનિક ઉપકરણો છે. આમાંનાં છ ઉપકરણ ‘ઇસરો’એ બનાવ્યાં છે. આદિત્ય-એલ1 સેટેલાઇટમાં સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (એસયુઆઇટી) નામનું વિશિષ્ટ ટેકનોલોજી ધરાવતું ટેલિસ્કોપ પણ છે. આ ટેલિસ્કોપ ‘આઇયુકા’ના નામે જાણીતા પૂણેસ્થિત ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇયુસીએએ) સંસ્થાના પ્રતિભાશાળી વિજ્ઞાનીઓએ બનાવ્યું છે.

આદિત્ય – એલ1નો હેતુ સૂર્યના ત્રણ હિસ્સા - ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોના (સૂરજની બાહ્ય કિનારી)નો ગહન અભ્યાસ કરવાનો છે. સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિની અસર પૃથ્વી પર કેવી અને કેટલી અસર થાય છે તેનો અભ્યાસ કરાશે. જોકે આ અત્યંત ગહન બાબતને સમજવા માટે છેલ્લાં 15 વરસથી વીઇએલસી નામનું વૈજ્ઞાનિક ઉપકરણ બનાવવામાં આવી રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter