હસમુખ અઢિયા બેન્ક ઓફ બરોડાના અધ્યક્ષપદે નિમાયા

Wednesday 06th March 2019 07:38 EST
 

નવીદિલ્હીઃ સરકારે પહેલીએ પૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયાની રાજ્ય સંચાલિત બેન્ક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેનપદે વરણી કરી હતી. ૧લી એપ્રિલથી બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કનું વિલિનીકરણ અમલી બનવા જઈ રહ્યું હોવાથી બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજા ક્રમે સૌથી વધુ ધિરાણ કરતી બેન્ક બની રહેનારી છે.
નાણાકીય સેવાસચિવ રાજીવકુમારે ટ્વિટ કરીને આ નિમણૂક અંગે જાણકારી આપી હતી. કર્મચારી બાબતોના મંત્રાલયના આદેશ મુજબ કેબિનેટની નિમણૂક સમિતિએ બેન્ક ઓફ બરોડાના નોન- ઓફિસીયલ ડિરેક્ટર તેમ જ બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ત્રણ વર્ષની મુદત માટે વરણી કરવામાં આવી છે.
કેબિનેટ નિમણૂક સમિતિ દ્વારા જારી નિવેદનમાં જણાવ્યા મુજબ નાણાકીય બાબતોના કર્મચારી વિભાગ દ્વારા થયેલી દરખાસ્તનો સ્વીકાર કરતાં અઢિયાની ત્રણ વર્ષની મુદત માટે નિમણૂક કરવામાં આવી છે. જીએસટી અમલનો શ્રેય પણ અઢિયાને આપવામાં આવે છે. તેઓ મહેસૂલ સચિવ પદે પણ સેવા આપી ચૂક્યા છે. તે અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ પદે ફરજ નિભાવી ચૂક્યા છે.
અઢિયા તે ૧૯૮૧ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. ગયા વર્ષે ૩૦ નવેમ્બરના રોજ તેઓ સેવાનિવૃત્ત થયા હતા. તેમણે છેલ્લે કેન્દ્રીય નાણા સચિવપદે ફરજ બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter