હાઇ પ્રોફાઇલ શીના બોરા હત્યા કેસમાં પોલીસ ગોથે ચઢી

Wednesday 02nd September 2015 08:57 EDT
 
 

મુંબઇઃ અત્યારે ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલા હાઇ પ્રોફાઇલ શીના બોરા હત્યા કેસમાં રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. શીનાની હત્યા પાછળ અનેક કારણો હોવાના તર્ક-વિતર્કો થઈ રહ્યા છે ત્યારે આની પાછળનો મુખ્ય ઉદ્દેશ પૈસા અને પ્રોપર્ટી હોઈ શકે એવું અત્યાર સુધીની તપાસમાં જાહેર થયું છે. સંપત્તિનો ચોક્કસ અંદાજ તો કોઈને નથી, પણ અત્યાર સુધી એમની જાહેર મિલકતો અને વિવિધ બિઝનેસમાંથી થતી આવકનો અંદાજ રૂ. ૮૦૦ કરોડથી વધુનો છે. આમા આઇએનએક્સ જૂથમાં ઇન્દ્રાણી મુખરજીએ પોતાના શેરોના વેચાણ દ્વારા મેળવેલી રૂ. ૫૦૦ કરોડ તથા પરિવારની માલિકીના ઘરોનો સમાવેશ થાય છે. સ્ટાર ટીવીના પૂર્વ સીઇઓ પીટર મુખરજી બ્રિસ્ટોલમાં ઘર ધરાવે છે અને મુંબઇમાં વરલીના પોચખાનવાલા રોડ પર આલિશાન સી વ્યૂ ધરાવતો ફ્લેટ ધરાવે છે. આ ઉપરાંત તેઓ એક માર્લો બિલ્ડિંગની માલિકી પણ ધરાવે છે.
કેસ કેવી રીતે બહાર આવ્યો
આ અતિ ચર્ચાસ્પદ કેસ એકદમ નાટકીય રીતે બહાર આવ્યો છે. ૨૧ ઓગસ્ટે સાંજે ૫.૩૦ કલાકે મુંબઇમાં કાર્ટર રોડ પર ખાર પોલીસે એક શકમંદને જોયો હતો. પોલીસને પોતાની તરફ આવતી જોઈને શકમંદ ભાગવા લાગ્યો હતો. પોલીસની શંકા દઢ બનતાં તેનો પીછો કરીને પકડ્યો હતો. તેની પાસેથી એક પિસ્તોલ મળી હતી. લાઈસન્સ ન હોવાથી તેની ધરપકડ કરી હતી. પછી ઊલટતપાસમાં તેણે પોતાનું નામ શામવર રાય તરીકે જણાવીને ૨૪ એપ્રિલ, ૨૦૧૨ના રોજ શીના બોરાની હત્યા વિશેની માહિતી આપી હતી. પછી તેના વાકોલાના ઘરે પોલીસે તપાસ કરતાં શીનાનો ફોટો મળ્યો હતો, જેને તે બેબી તરીકે ઓળખતો હતો. પછી પોલીસે આઈએનએક્સની પૂર્વ પ્રમોટર ઈન્દ્રાણી મુખરજીને શોધવાનું શરૂ કર્યું હતું. સંજીવ ખન્નાથી થયેલી અને પીટર મુખરજીએ દત્તક લીધેલી ઈન્દ્રાણીની બીજી પુત્રી વિધિનો જન્મદિન ૨૪ ઓગસ્ટે હોવાથી તે અનાથાલયમાં દાનધર્મ કરવા માટે ગઈ છે એવી માહિતી પોલીસને મળી હતી. પોલીસે ત્યાંથી તેને પકડી હતી. ત્યાંથી તેને વરલીના તેના ઘરે લાવવામાં આવી હતી, જ્યાંથી પછી ધરપકડ કરવામાં આવી હતી.
પુત્ર-પુત્રીને એક જ દિવસે મારવાના હતા
સગી દીકરી શીનાને મોતને ઘાટ ઉતારનારી ઈન્દ્રાણી મુખરજીના ખૂની ખેલની એક પછી એક બાજી ઉઘાડી પડતી જાય છે. માનવામાં આવે છે કે ૨૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ ઈન્દ્રાણીનો ઈરાદો પુત્રી શીનાની સાથે પુત્ર મીખાઈલને પણ મારવાનો હતો. તે દિવસે ઈન્દ્રાણી મુખરજી અને તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાની પુત્રી શીનાને કારમાં આખરી સફરે લઈ ગયા અને કારમાં જ હત્યા કરી એ પહેલાં વરલીની હોટેલમાં ઈન્દ્રાણીએ દીકરા મિખાઈલને ઘેનની દવાનો હેવી ડોઝ આપ્યો હતો. એવો પ્લાન હતો કે શીનાની હત્યા કરી તેઓ વરલીની હોટેલમાં પાછા ફરશે ત્યારે ઘેનમાં સરી પડેલા મીખાઈલને પણ ખતમ કરી દેશે. પરંતુ મીખાઇલને કંઈક અજુગતું બનવાની ગંધ આવી જતા જેવું તેને ઘેન ચડ્યું અને આંખો ઘેરાવા લાગી કે તરત જ તે હોટેલમાંથી નાસી ગયો હતો. મીખાઈલે જ પોલીસને આ તમામ વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે મને કોઈ મિલકત બાબત વાતચીત કરવાને બહાને મુંબઈ બોલાવાયો હતો અને અને વરલીની હિલટોપ હોટેલમાં મારા માટે રૂમ બુક કરાવ્યો હતો. ઇન્દ્રાણીનો પતિ સંજીવ ખન્ના જ્યારે મુંબઈ આવે ત્યારે આહોટેલમાં જ ઉતરતો હતો. હું જ્યારે હોટેલમાં ગયો ત્યારે મેં સંજીવ ખન્નાને ત્યાં જોતા દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી. મીખાઇલે પોલીસને કહ્યું હતું કે ઇન્દ્રાણી અને સંજીવ ખન્નાએ નશીલી દવા ભેળવેલું પીણું મને પીવડાવ્યું હતું અને ત્યાર પછી બંને હોટેલ છોડી ચાલ્યા ગયા હતા. જ્યારે મેં પીણું પીધું એ પછી ઘેન ચડવા લાગતા હું સતર્ક થઈ ગયો હતો. અને તરત જ હોટેલ છોડી જવાનું નક્કી કર્યું હતું. આ રીતે હું બચી ગયો હતો. આ કેસની તપાસ કરતા એક પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે મીખાઇલનું આ નિવેદન ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે.
દોષારોપણથી કેસમાં નવો વળાંક
શીના બોરા હત્યા કેસમાં હવે પોલીસ જ્યારે તપાસના અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે સજાથી બચવા મુખ્ય આરોપી ઈન્દ્રાણી અને સંજીવ ખન્ના એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે. બીજી બાજુ આ કેસને મજબૂત બનાવવા માટે પોલીસ ડ્રાઇવર શ્યામ રાયને તાજનો સાક્ષી બનાવવાની તૈયારીમાં છે અને પોલીસે એ દિશામાં પ્રયાસ શરૂ કર્યા છે. તપાસ દરમિયાન ઈન્દ્રાણી અને તેનો ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના બંને પહેલા તો ઉડાઉ જવાબ આપ્યા હતા, પણ પોલીસે તેમની આકરી પૂછપરછ કરતાં તેઓ બોલતા થયા છે, પણ હવે તેઓ એેક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે.
મૃત્યુ વખતે શીના ગર્ભવતી હતી?
મુખરજી પરિવારના અમુક વ્યક્તિઓએ એવો દાવો કર્યો હતો કે જ્યારે શીનાની હત્યા થઇ ત્યારે તે ગર્ભવતી હતી. તેમ જ આ બાળકના પિતા રાહુલ નહીં પણ ઇંદ્રાણીનો જ નિકટનો વ્યક્તિ હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કોઇ અજાણ્યો વ્યક્તિ દક્ષિણ-પૂર્વના એશિયાના દેશમાંથી બિઝનેસ ટ્રીપ માટે આવ્યો હતો. પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેની અને શીના વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. હવે એવું ચર્ચાઇ રહ્યું છે કે શીનાએ ઇંદ્રાણીને પોતાના ગર્ભવતી હોવાની વાત જણાવી હશે. તેમ જ આ સચ્ચાઇ બહાર ન પડે તે માટે ઇંદ્રાણીએ ઠંડા કલેજે શીનાની હત્યા કરી હશે.
કેવી રીતે શીનાની હત્યા કરી ?
એક થિયરી મુજબ ઇન્દ્રાણીના બીજા પતિ સંજીવે પીટર અને ઇન્દ્રાણી મુખરજીની કરોડો રૂપિયાની સંપત્તિ હડપવા મોટું કાવતરૂ ઘડયું હતું. સંજીવના કહેવાથી જ ઇન્દ્રાણીએ પીટર સાથે લગ્ન કર્યા હતા અને તેમના સંબંધો પણ જાળવી રાખ્યા હતા. પરંતુ શીના રાહુલના સંતાનની માતા બનવાની શક્યતાને પગલે સંજીવ અને ઇન્દ્રાણીને તેમની યોજના ઉંધી વળી રહી હોવાનું લાગ્યું હતું. જો શીના અને રાહુલ લગ્ન કરી લે તો તેમણે કરોડો રૂપિયાની સંપત્તિ ગુમાવવાનો વારો આવે તેમ હતું. એક તબક્કે ઇન્દ્રાણીએ રાહુલની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ તે પાર ન પડતા તેમણે શીનાની હત્યા કરવાની યોજના ઘડી હોવાનું મનાય છે. તેમણે શીનાની હત્યા કરતાં તેના ડ્રાઇવર શ્યામ મનોહર રાય સાથે પહેલા રાયગઢમાં જઇ રેકી પણ કરી હતી. એ પછી શીનાને ફોન કરી ઇન્દ્રાણીએ તેને નેશનલ કોલેજ પાસે બોલાવી હતી. શીનાને ત્યાંથી પીક અપ કરી ઇન્દ્રાણી મુખર્જી તેને ૨૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ રાયગઢના જંગલમાં લઇ જઇ તેની હત્યા કરી હોવાનું મનાય છે.
અનૈતિક સંબંધો જવાબદાર
રાહુલ સાથે લગ્નનો ઈનકાર કરશે તો સંજીવ ખન્ના સાથેના તારા પ્રેમપ્રકરણની માહિતી પીટર મુખરજીને આપી દઈશ, એવી ધમકી શીના બોરા માતા ઈન્દ્રાણીને છેલ્લા દિવસોમાં આપીને બ્લેકમેઈલિંગ કરતી હતી. ઈન્દ્રાણી બ્લેકમેઈલિંગથી ત્રાસી ગઈ હતી. જો ગોપનીય વાતો પતિ પીટરને ખબર પડી જશે તો અનર્થ થશે એવો ડર તેને સતત સતાવતો હતો. આથી ઈન્દ્રાણીએ ખન્ના અને ડ્રાઈવર રાયની મદદથી પુત્રીનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું એવો નિષ્કર્ષ પોલીસે કાઢ્યો છે. જોકે આમ છતાં હજુ મિલકત વિવાદ તથા અન્ય કારણોની પણ તપાસ ચાલી રહી છે.ખન્ના ઈન્દ્રાણીનો બીજો પતિ હતો. તેમની વચ્ચે છૂટાછેડા થયા હતા. પછી પીટર સાથે ઈન્દ્રાણીએ ત્રીજાં લગ્ન કર્યાં હતાં. જોકે ગત થોડા સમયથી ઈન્દ્રાણી અને ખન્ના ફરીથી સંપર્કમાં આવ્યાં હતાં. તેમના સંબંધો વધવા લાગ્યા હતા. બાબતે શીનાને જાણકારી હતી. ઉપરાંત બંનેના સંબંધ સ્થાપિત કરતા પુરાવા પણ શીના પાસે હતા.
નાણાકીય વ્યવહારોની તપાસ થઈ રહી છે
શીનાની હત્યા સંદર્ભે ઈન્દ્રાણી એ પહેલા એમ કહ્યું હતું કે રાહુલ અને શીનાનાં લગ્ન તેને મંજૂર નહોતા, કારણ બંને સાવકા ભાઈ બહેન થતા હતા. જોકે સંજીવે એમ કહ્યું છે પીટરની સંપત્તિમાંથી વિધિને ભાગ મળે એ માટે શીનાની હત્યા કરાઇ છે. આમ આ કેસના અનેક પાસા છે અને હત્યા માટે સંબંધો સાથે સાથે પીટરની કરોડો રૂપિયાની સંપત્તિ પણ હાથમાંથી સરકી ન જાય એ માટે શીનાની હત્યા કરાઇ હોવાનું કહેવાય છે. પોલીસે એથી તેમના કોલ રેકોર્ડ પણ ચકાસી રહી છે અને સાથોસાથ આ સમય દરમિયાન ક્યાં ક્યાં મોટા આર્થિક વ્યવહાર થયા તેના પર પણ તપાસ ચલાવાઇ રહી છે. એ વ્યવહારથી કોને લાભ થવાનો હતો ? ઈન્દ્રાણીના નામે કેટલી સંપત્તિ છે? પીટરનું વલણ શું છે એ બાબતે ઝીણવટભરી તપાસ થઇ રહી છે. પીટર અને રાહુલનો શીના મર્ડર કેસમાં દેખીતો રોલ અત્યારે ભલે ન જણાઈ રહ્યો હોય તો પણ તેઓ શંકાથી પર નથી એમ પોલીસે જણાવ્યું છે.
ઈન્દ્રાણી યુકે ભાગી જવાની તૈયારીમાં હતી?
ઈન્દ્રાણીએ રાહુલ મુખરજીને તે અને શીના બંને અમેરિકામાં સ્થાયી થઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ હકીકતમાં તે લંડન જવા ઇચ્છતી હોવાના અહેવાલો વહેતા થયા છે. પોતાના બીજા પતિ સંજીવ ખન્ના દ્વારા થયેલ પુત્રી વિધિ સાથે ઇંદ્રાણી લંડન ભેગી થવાની હોવાનું જાણવા મળ્યું છે. પોતાની બધી જ સંપત્તિ સાથે ઈન્દ્રાણીએ વિધિની સાથે યુકેમાં સ્થાયી થવાની યોજના બનાવી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અનૈતિક સંબંધોથી શીના જન્મી હતી?
શીના મર્ડર કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ કેસની મુખ્ય આરોપી શીનાની માતા ઇન્દ્રાણી મુખરજીનું બાળપણ ખૂબ જ બેહાલ હતું. અને તેના પિતાએ તેની પર જુલમ કર્યો હતો. એક વાત એવી પણ જાણવા મળી છે કે ઇન્દ્રાણીના તેના પિતા સાથેના અનૈતિક સંબંધોને કારણે શીનાનો જન્મ થયો હતો. ઈન્દ્રાણી સાથે તે બળજબરીપૂર્વકના સંબંધો રાખતા હતા. મુંબઇ પોલીસના સૂત્રોએ દાવો કર્યો છે કે, પૂછપરછમાં ઇન્દ્રાણીએ તેના બાળપણની અનેક ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી. મુંબઇ પોલીસના એક સૂત્રને ટાંકતાં એક વેબસાઇટે જણાવ્યું હતું કે ‘ઇન્દ્રાણી મુખરજીનું બાળપણ અતિશય વ્યથા અને યાતનાઓથી ભરેલું છે. તેના પિતા (ઉપેન્દ્રકુમાર બોરા)એ તે નાની હતી ત્યારે જ તેની સાથે જાતીય સુખ માણી લીધું હતું અને તેથી કદાચ શીના ઇન્દ્રાણી અને તેના પિતાની અનૌરસ સંતાન હોઇ શકે છે.’
ઇન્દ્રાણીએ પોતાના જીવનના અનેક પાત્રો સમક્ષ શીનાને દીકરી નહિ પરંતુ બહેન તરીકે રજૂ કરી હતી. તેની પાછળ કદાચ આ કારણ પણ માની શકાય છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો છે કે ઇન્દ્રાણી પણ ઉપેન્દ્રકુમાર બોરાની બાયોલોજિકલ પુત્રી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter