હાથરસઃ દલિત પરિવારની દીકરી પર ૧૪મી સપ્ટેમ્બરના રોજ હાથરસમાં સામૂહિક દુષ્કર્મ બાદ બળાત્કારીઓએ પીડિતાની જીભ કાપી નાંખી અને તેની કરોડરજ્જુ પણ તોડી નાંખી હતી. એ પછી પીડિત કિશોરીને અલીગઢની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. એ પછી પીડિતાને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પીડિતાના મૃત્યુ બાદ તેના પરિવારને જાણ બહાર જ પોલીસે મૃતક પીડિતાના બળજબરી અગ્નિસંસ્કાર કરાયાના આક્ષેપો વચ્ચે દેખાવો શરૂ થયા હતાં. કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિતાના પરિવારને મળ્યા હતા. બંનેએ પરિવારને ન્યાય મળશે તેવું આશ્વાસન આપ્યું હતું.
પ્રિયંકા-રાહુલ પીડિત પરિવારને મળવા ગામ ગયા તે પહેલાં હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો પીડિતાઅને તેના પરિવારના સમર્થનમાં એકઠા થયા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો વચ્ચે યોગી સરકાર દ્વારા આ કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. યોગી સરકારે સમગ્ર કેસમાં બેદરકારીને કારણે હાથરસના DSP અને SP ને સસ્પેન્ડ કરી દીધાં બાદ કેસ સીબીઆઈને સોંપ્યો હોવાના અહેવાલ હતા. છઠ્ઠી ઓક્ટોબરના અહેવાલો પ્રમાણે, આ કેસમાં ૪ આરોપીઓની ધરપકડ કરાઈ છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ કેસમાં સીબીઆઇને તપાસના આદેશ આપ્યા અગાઉ બસપા સુપ્રીમો માયાવતીએ પણ સીબીઆઇને આ કેસની તપાસ સોંપવાની માગ કરી હતી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની બાંહેધરી સાથે યોગી સરકારે રાહુલ, પ્રિયંકા સહિત માત્ર પાંચ જ લોકોને પીડિતાના પરિવારને મળવા જવાની અનુમતિ આપી હતી. યોગી સરકારે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવાયો હતો.
રાહુલ અને પ્રિયંકાએ પીડિતાના પરિવારની મુલાકાત પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં પીડિતાની માતા પ્રિયંકાને મળ્યા ત્યારે રડવા લાગ્યા હતા. ઉત્તર પ્રદેશના ડીજીપી એચ. સી. અવસ્થી અને ગૃહ સચિવ અવનિશ અવસ્થીએ પણ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, આ અતિ દુ:ખદ ઘટના છે, જે પણ દોષી ઠરે તેને આકરી સજા થશે. રવિવારે સવારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નિર્દેશ પર ૧૧ નેતાઓનું પ્રતિનિધિમંડળ પીડિતાના પરિવારને મળવા તેના ગામ બુલગઢી પહોંચ્યું હતું. પરિવાર સાથે મુલાકાત બાદ સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પીડિતાનો પરિવાર અત્યંત મુશ્કેલીમાં છે. સરકાર દ્વારા તેમના પર અત્યાચાર ગુજારાયો છે. સપાના પ્રતિનિધિમંડળ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ મોટી સંખ્યામાં બુલગઢી ઊમટી પડયાં હતાં અને તેમણે ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરાયો હતો. કેટલાક કાર્યકરો ગામમાં ઘૂસી જતાં ગામવાસીઓ દ્વારા તેમના પર પથ્થરમારો કરાયો હતો.
દેશમાં અનેક સ્થળે દેખાવો
હાથરસની ઘટના બાદ દેશમાં ઉગ્ર રોષ સાથે દેખાવો શરૂ થયા હતા તો સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી દલિત યુવતીના પિતા, ભાઇ, કાકા કે અન્ય કોઈ સગા, બધા પોલીસ પર બળજબરીથી અંતિમ સંસ્કાર કરવાનો આરોપ મૂક્યો હતો. પીડિતાના ભાઇએ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટના જજની આગેવાનીમાં આ સમગ્ર મામલાની તપાસ થાય પણ સીબીઆઇ તપાસ પણ યોગ્ય છે. અમને તપાસ માત્રથી સંતોષ નથી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર અને પ્રશાસન જવાબ આપે કે અમારી દીકરીના મૃતદેહને રાતોરાત અમારી મંજૂરી વગર જ કેમ સળગાવી દેવાયો? અમારી સાથે ગેરવર્તન કેમ થયું? જોકે ફરિયાદી અને પીડિતાના પરિવાર તેમજ પોલીસકર્મીઓના નાર્કો ટેસ્ટ કરાવવાના નિર્ણયનો પરિવારે અગાઉ વિરોધ કર્યો હતો. પીડિતાના પરિવારે નાર્કો ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી હતી.
આરોપી અને પીડિતાનો ભાઈ સંપર્કમાં
ઉત્તર પ્રદેશ પોલીસે છઠ્ઠીએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાનો ભાઈ અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. ગયા ઓક્ટોબર, ૨૦૧૯થી પીડિત પરિવાર અને આરોપી વચ્ચે ૧૦૪ વખત ફોન પર વાતચીત થઈ હતી.
રમખાણો ભડકાવવાનું કાવતરું: યોગી
હાથરસમાં તોફાન – દેખાવો મામલે પાંચમીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક નિવેદન જારી કર્યું હતું કે, વિપક્ષો દ્વારા વિદેશી ફંડ દ્વારા ઉત્તર પ્રદેશમાં જાતિવાદી સાંપ્રદાયિક રમખાણો ફેલાવવાનું કાવતરું ઘડાયું છે. વિપક્ષો ઉત્તર પ્રદેશને હિંસાગ્રસ્ત જોવા માગે છે. યોગીએ ભાજપના કાર્યકરોને હિંસા સામે સજાગ રહેવા અને દેશના વિકાસ માટે સર્મિપત થવા અનુરોધ કર્યો હતો.