હિન્દુ આસ્થાની રક્ષા માટે આંધ્રમાં 3000 મંદિરનું નિર્માણ

Saturday 11th March 2023 01:43 EST
 
 

અમરાવતી: હિન્દુ સમુદાયની આસ્થાની રક્ષા માટે આંધ્ર પ્રદેશની જગનમોહન રેડ્ડી સરકારે રાજ્યમાં 3000 હિન્દુ મંદિરોનું નિર્માણ કરાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે સમગ્ર રાજ્યમાં મંદિરોનું નિર્માણકાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તીર્થસ્થાનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન કે. સત્યનારાયણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ આ નિર્ણય લીધો છે જેથી કરીને હિન્દુ આસ્થાનું સંરક્ષણ અને તેનો પ્રચાર કરી શકાય. સત્યનારાયણે કહ્યું હતું કે, હિન્દુ આસ્થાનો મોટા સ્તરે પ્રચાર કરવા માટે સરકારે નબળા વર્ગના લોકોના વિસ્તારોમાં મંદિરોના નિર્માણનો નિર્ણય લીધો છે.
મંદિરોના પુનઃનિર્માણ માટે રૂ. 270 કરોડની ફાળવણી
નાયબ મુખ્ય પ્રધાન સત્યનારાયણે કહ્યું હતું કે 25 મંદિરના નિર્માણ માટે એક એન્જિનિયરને જવાબદારી સોંપવામાં પુનર્નિર્માણના કાર્ય માટે 270 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે. એટલું જ નહીં મંદિરોમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોના આયોજન માટે પણ 238 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. સાથે જ મંદિરોમાં ધૂપ, દીપ વગેરે માટે 28 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે. રાજ્ય સરકારે ધૂપ, દીપ સ્કીમ હેઠળ 2019માં માત્ર 1561 મંદિરને જ સામેલ કર્યા હતા. પરંતુ હવે મંદિરોની સંખ્યા વધીને 5000 થઇ ગઇ છે.
તિરુમાલા ટ્રસ્ટ પ્રત્યેક મંદિર માટે રૂ. 10 લાખ ખર્ચશે
મંદિરોના નિર્માણ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રીવાણી ટ્રસ્ટ તરફથી પ્રત્યેક મંદિરના નિર્માણ માટે 10 લાખ રૂપિયાની રકમનો ખર્ચ કરવામાં આવશે. આ પહેલાં રાજ્યમાં 1330 મંદિરોના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ યાદીમાં વધુ 1465 વધુ મંદિર ઉમેરવામાં આવ્યા છે. તે સિવાય રાજ્યના કેટલાક ધારાસભ્યોની માગ પર વધુ 200 મંદિરનું નિર્માણ કરાશે. સત્યનારાયણે કહ્યું હતું કે હાલ સમગ્ર રાજ્યમાં 978 મંદિરનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter