નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ અદાલતની નવ જજોની બંધારણીય બેંચે કહ્યું કે કોઈ પણ ધાર્મિક સંપ્રદાયની કોઈ ખાસ પ્રથાને જરૂરી કે બિનજરૂરી જાહેર કરવા માટે કોઈ એક નિયમ કે સાર્વભૌમિક દિશાનિર્દેશ બનાવવા કોર્ટ માટે ખૂબ જ મુશ્કેલ છે. બેંચે કહ્યું કે આવું એટલા માટે છે કેમ કે દરેક ધર્મની પોતાની અનોખી પરંપરા હોય છે. બેંચે એમ પણ કહ્યું કે હિંદુ સમાજે અલગ અલગ સંપ્રદાયોમાં વહેંચાવાને બદલે એકજૂથ થવું જોઈએ, નહીંતર તે નબળો પડી જશે.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વવાળી બંધારણીય પીઠે કહ્યું કે જો કોઈ ખાસ હિંદુ ધાર્મિક સંપ્રદાય કેટલીક પ્રથાઓનું પાલન કરે છે અને જો તે નૈતિકતા, સાર્વજનિક વ્યવસ્થા અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરતી હોય તો તેને જરૂરી ધાર્મિક પ્રથાઓ ન કહી શકાય. બેન્ચે કેરળના સબરીમાલા મંદિર સહિત વિભિન્ન ધર્મો અને સંપ્રદાયોનાં ધાર્મિક સ્થળો પર મહિલાઓની સાથે ભેદભાવ અને પ્રવેશ પર પ્રતિબંધ સાથે સંકળાયેલા મુદ્દા પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.


