હિન્દુસ્તાન યુનિલીવરે જીએસએ ઇંડિયા ખરીદીઃ ભારતમાં કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે સૌથી મોટો સોદો

Wednesday 12th December 2018 05:07 EST
 
 

નવી દિલ્હીઃ ભારતમાં કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું ટેઇકઓવર થયું છે. દેશની સૌથી મોટી કન્ઝયૂમર ગુડ્સ કંપની હિંદુસ્તાન યુનિલીવર (એચયુએલ)એ હેલ્થ સપ્લિમેન્ટ હોર્લિક્સ બનાવતી ગ્લેક્સો સ્મિથક્લાઈન (જીએસકે) કન્ઝયૂમર ઈન્ડિયા ખરીદી લીધી છે. આ સોદો ૩૧,૭૦૦ કરોડ રૂપિયામાં થયો છે.
મહત્ત્વની વાત એ છે કે, આ સોદામાં રોકડની કોઇ આપ-લે નહીં થાય, પણ સ્ટોક સ્વેપિંગ થશે. આ માટે જીએસકેના એક શેર સામે એચયુએલના ૪.૩૯ શેર અપાશે.
આમ એચયુએલને ભારતમાં ૧૦૦ વર્ષ જૂની ન્યૂટ્રિશન બ્રાન્ડનો કારોબાર મળી જશે. હોર્લિક્સ ઉપરાંત સેન્સોડાઈન, અન્ય ઓરલ કેર, ઈનો અને ક્રોસિન જેવી ઓવર ધ કાઉન્ટર (ઓટીસી) પ્રોડક્ટનું ડિસ્ટ્રિબ્યુશન પણ એચયુએલની પાસે આવી જશે.

રૂ. ૧૦ હજાર કરોડનો કારોબાર થશે

એચયુએલના સીએમડી સંજીવ મહેતાએ જણાવ્યું હતું કે આ વિલીનીકરણ સાથે અમારા પોર્ટફોલિયોમાં બીજી ઘણી મોટી બ્રાન્ડ સામેલ થઈ જશે. જીએસકે હસ્તગત થયા બાદ કંપનીનો ફૂડ અને રિફ્રેશમેન્ટનો કારોબાર રૂ. ૧૦,૦૦૦ કરોડના આંકને વટાવી જશે. આથી, એચયુએલનો ફૂડ અને રિફ્રેશમેન્ટ કારોબાર ભારતમાં સૌથી મોટો થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. નવા શેર જારી કરવાથી એચયુએલમાં યુનિલીવરનો હિસ્સો ૬૭.૨ ટકાથી ઘટી ૬૧.૯ ટકા થશે.

ત્રણ ભાગમાં સોદો

જીએસકે દ્વારા યુનિલીવર સાથે ત્રણ હિસ્સામાં સોદો કર્યો છે. તદ્નુસાર જીએસકે અને એચયુએલનું વિલીનીકરણ થશે. બીજું, જીએસકે દ્વારા જીએસકે-બાંગ્લાદેશને ૧૫ કરોડ પાઉન્ડમાં વેચવામાં આવી છે. ત્રીજું, જીએસકે કન્ઝયુમર હેલ્થકેરના ન્યુટ્રિશન કારોબાર અને બ્રાન્ડ રાઇટ ૪૭ કરોડ યૂરોમાં વેચ્યા છે. આ અહેવાલ બાદ જીએસકે કન્ઝયુમર હેલ્થકેર અને એચયુએલના શેરમાં તેજી જોવા મળી હતી. આ સોદો એક વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter