હિમંતા બિસ્વ સરમાઃ સળંગ બીજી ટર્મ માટે ચૂંટાનારા પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યપ્રધાન

Wednesday 13th May 2026 07:42 EDT
 
 

ગુવાહાટીઃ અસમમાં હિમંતા બિસ્વ સરમાએ સળંગ બીજી મુદત માટે મુખ્યપ્રધાન તરીકે શાસનધુરા સંભાળીને ઇતિહાસ રચ્યો છે. તેઓ સતત બીજી મુદત માટે ચૂંટાનાર પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે રાજ્યમાં ભાજપ શાસિત એનડીએ સરકારની આ સળંગ ત્રીજી ટર્મ છે. ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ હિમન્તા સરમાની સાથે ચાર પ્રધાનોને પણ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

ખાનપરા ખાતેની વેટરન કોલેજ ફિલ્ડમાં મંગળવારે સવારે યોજાયેલા ભવ્ય શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમન, કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન, એનડીએના તમામ મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો ઉપરાંત અમેરિકાના ભારત ખાતેના હાઇ કમિશનર સર્જિયો ગોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિમંતા બિસ્વા સરમા સાથે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચંદન બ્રહ્મા અને અજંતા નિયોગે પણ મંત્રી પદના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન સરમાએ સોમવારે સાંજે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નવી સરકારમાં સામેલ થનાર મંત્રીઓના નામની જાહેરાત કરી દીધી હતી.

આ ખાસ તકે હિમંતા બિસ્વા સરમાના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી છે. હિમંતા સરમાના દીકરી કુસન્યાએ કહ્યું, ‘અહીં આવીને અમે ખૂબ જ ખુશ છીએ આનંદ અનુભવી રહ્યાં છીએ’. જ્યારે તેમના પત્ની રિનિકી ભુઇયા સરમાએ કહ્યું, ‘આ ખૂબ જ ખુશીની ક્ષણ છે’. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહ્યું, ‘અસમની જનતાને હું શુભેચ્છાઓ પાઠવું છું’
બંગાળ ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની મોટી જીત થઈ છે. આગામી દિવસોમાં ઓડિશા, બિહાર, અસમ, ત્રિપુરા, સિક્કિમમાં પીએમ મોદીનું જે સપનું છે પૂર્વોદયનો વિકાસ તેના માટે કામ કરશે.

ભાજપની આગેવાની હેઠળ અસમ ગણપરિષદ (એજીપી) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)ની બનેલી એનડીએ સરકારે 126 સભ્યોના ગૃહમાં 102 બેઠક મેળવીને ત્રણ ચતુર્થાંશ બહુમતી મેળવી છે. ભાજપે એકલાએ 82 તો એજીપી અને બીપીએફે 10-10 બેઠક જીતી છે.

આ પૂર્વે રવિવારે એનડીએ વિધાનસભા પક્ષની બેઠક યોજાઇ હતી, જેમાં સરમાને સર્વાનુમતે નેતાપદે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી તેમણે ગવર્નરને મળીને સરકાર રચવાનો દાવો કરતાં તેમને સરકાર રચવા આમંત્રણ અપાયું હતું.

એનડીએનો સતત ત્રીજો કાર્યકાળ
આસામમાં એનડીએ સરકારનો આ સતત ત્રીજો કાર્યકાળ છે. અગાઉ, 2016 માં ભાજપના નેતૃત્વ હેઠળ સર્બાનંદ સોનોવાલ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા, જ્યારે 2021માં હિમંત બિસ્વા સરમાએ કાર્યભાર સંભાળ્યો હતો.

પૂર્વોત્તરમાં ભાજપના પ્રસારમાં સરમાનું યોગદાન
હિમંતા સરમા 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે સમયે આસામમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, અને ભાજપ પાસે ફક્ત પાંચ ધારાસભ્યો હતા. જોકે, હિમંતા સરમાએ ઉત્તરપૂર્વમાં ભાજપને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક રીતે કામ કર્યું. 2016માં, ભાજપે તેમને નોર્થઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ના કન્વીનર તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ, તેમણે ઉત્તરપૂર્વમાં પ્રાદેશિક પક્ષોને ભાજપ સાથે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે પૂર્વોત્તરમાં ભાજપના ઝડપથી વધતા પ્રભાવ પાછળ હિમંતા બિસ્વા સરમાની રણનીતિ એક મુખ્ય પરિબળ હતી.

વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય સફરનો પ્રારંભ
સરમાએ ગુવાહાટીમાં પ્રાથમિક શિક્ષણ બાદ કામરૂપ એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે કોટન કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં બીએ અને એમએની ડિગ્રી મેળવી હતી. સરમાની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી રાજકારણથી શરૂ થઈ હતી. 1991-92 માં તેમણે કોટન કોલેજ સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી અને બાદમાં ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU)માં જોડાયા હતા. સરકારી લો કોલેજમાંથી એલએલબી પૂર્ણ કર્યા બાદ થોડા સમય માટે ગુવાહાટી હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. 2006માં તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પણ મેળવી છે. 1990ના દાયકામાં, તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને 2000માં પહેલી વાર જલુકબારી મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, ત્યારથી તેઓ સતત આ બેઠક જીતી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter