નવી દિલ્હી: મોટા ભાગના એક્ઝિટ પોલ્સે હિમાચલ પ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનવાનો સંકેત આપ્યો છે. જોકે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કરનો સંકેત મળી રહ્યો છે. આજતક–એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલે ભાજપને 24-34 અને કોંગ્રેસને 30-40 બેઠક મળવાની આગાહી કરી છે. ન્યૂઝ24–ચાણક્યના એક્ઝિટ પોલમાં જણાવ્યા અનુસાર ભાજપ અને કોંગ્રેસ બંનેની 33 બેઠક પર જીત થશે. જોકે, બંને પક્ષ માટે 7 બેઠકની વધઘટના માર્જિનની આગાહી કરવામાં આવી છે.
એબીપી ન્યૂઝ અને સી-વોટરના સરવે અનુસાર ભાજપને હિમાચલ પ્રદેશમાં 33-41 બેઠક મળશે. જ્યારે કોંગ્રેસને 24-32 બેઠક મળવાનો અંદાજ છે. ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપને 35-40 બેઠક, કોંગ્રેસને 26-31 અને AAPને 0 બેઠક પર જીત મળવાની આગાહી કરવામાં આવી છે.
ન્યૂઝ એક્સ–જન કી બાતના સર્વેમાં ભાજપને 3240, કોંગ્રેસને 27-34 અને AAPને 0 બેઠક આપવામાં આવી છે. રિપબ્લિક ટીવી અને પી-માર્કના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 34-39, કોંગ્રેસને 28-33, AAPને 0-1 બેઠક પર જીત મળશે. જ્યારે ટાઇમ્સ નાઉ–ઇટીજીના એક્ઝિટ પોલ્સમાં ભાજપને સરેરાશ 38 અને કોંગ્રેસને 28 બેઠક મળવાની આગાહી કરાઈ છે.
ભાજપે હિમાચલ પ્રદેશમાં પણ વડા પ્રધાન નરેન્દ્રમોદીની આગેવાનીમાં જબરદસ્ત કેમ્પેઈન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ ત્યાં ખાસ્સું ફોકસ કર્યું હતું. ત્યાં ભાજપે ડબલ એન્જિન સરકાર પર ફોકસ કર્યું હતું અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી હિમાચલમાં પણ ભાજપની સરકાર રહેશે તો જનતાને ડબલ ફાયદો થશે તેવો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું હતું કે કોંગ્રેસ ભલે હિમાચલની પરંપરા પર નિર્ભર હોય, પરંતુ લોકોએ આ વખતે પરંપરા તોડી અને વિકાસમાં તેજી લાવવા માટે ભાજપને ફરી સત્તા પર લાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે વળતા પ્રહારમાં પ્રચાર કર્યો હતો કે ભાજપનો વિકાસ ખોખલો છે. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં ક્યારેય શાસક પક્ષ સતત બીજી મુદત માટે સત્તા પર આવ્યો નથી. અહીં દર ચૂંટણીમાં મતદારો શાસક પક્ષને જાકારો આપતા રહ્યા છે.


