શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ૬૮ બેઠકોની વિધાનસભા માટે ગુરુવારે ૭૪ ટકા મતદાન નોંધાયું હતું. નોટબંધી અને જીએસટીની નિષ્ફળતા અને સફળતાના દાવા વચ્ચે કેન્દ્રની ભાજપ સરકારના લિટમસ ટેસ્ટ સમાન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓમાંથી હિમાચલ પ્રદેશના મતદારોએ ગુરુવારે પોતાનો ચુકાદો આપી દીધો હતો. મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે આ જંગમાં તમામ ૬૮ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. કુલ ૩૩૭ ઉમેદવારોમાં હાલના મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહ પૂર્વ મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધૂમલ સહિત ૬૨ સીટિંગ ધારાસભ્યો ચૂંટણીમેદાનમાં ઊતર્યા હતા. રાજ્યમાં ૭૫૨૫ મતદાન મથક પર શાંતિપૂર્ણ મતદાન માટે ૩૭,૬૦૫ કર્મચારી, ૧૭,૭૭૦ પોલીસકર્મચારી અને હોમગાર્ડ તથા અર્ધલશ્કરી દળોની ૬૫ કંપનીને ચૂંટણીની ફરજ પર તહેનાત કરાયાં હતાં. રાજ્યમાં પહેલી વાર ચૂંટણી પંચ દ્વારા ૧૧,૨૮૩ વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરાયો હતો.
૧,૦૦૦થી વધુ તિબેટિયનોને મતાધિકાર
ભારતમાં આશ્રય લઈ રહેલાં તિબેટિયનોને સરકારી નોકરીઓ, જમીન ખરીદવા કે લીઝ પર લેવાના અધિકારો નથી. તેઓ સરકારની કલ્યાણ યોજનાઓનો લાભ પણ લઈ શકતાં નથી પરંતુ ૧૯૫૦થી ૧૯૮૭ દરમિયાન ભારતમાં જન્મેલાં તમામ તિબેટિયનોને મતદાનનો અધિકાર અપાયો છે.


