કુલુઃ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાનાં એક ગામ મલાણાનાં લોકો સ્વયંને સિકંદરના વંશજ માને છે. અહીં રહેનારા ઘણા લોકોની શકલ-સુરત ગ્રીસવાસીઓ જેવી છે. આથી આ ગામને હિમાલયનું એથેન્સ કહેવાય છે. આ ગામના લોકો દેશના કાયદાને નથી માનતાં. તેઓએ પોતાની એક વ્યવસ્થા ઊભી કરી છે. ગામની સસંદ છે અને કાયદાઓ-નિયમો પણ છે. તેઓ જામલુ દેવતાની પૂજા કરે છે. કહેવાય છે કે સિકંદરના કેટલાક સિપાહીઓ ઘાયલ અવસ્થામાં અહીં આવ્યા હતા અને તેમણે અહીં જ વસવાટ કર્યો હતો. આખી દુનિયામાં પ્રસિદ્ધ પ્રાચીન લોકતંત્રના રીત-રિવાજથી ચાલતું આ ગામ વિસ્મય ઉપજાવે છે. આ ગામના કાયદા પણ અચરજ પમાડે એવા છે. અહીં પોલીસનો કોઈ અધિકાર નથી ચાલતો. અહીં સંસદ અને ગામના પોતાના રાજા છે. ૧૨ હજાર ફૂટની ઊંચાઈએ આ ગામ આવેલું છે. ગુનેગારને સજા પણ અલગ જ રીતે અપાય છે. ભાષા જૂની કણાશી બોલે છે. આ ગામના લોકો ભારતના કાયદાઓને લગભગ માનતાં નથી, પણ મતદાન પ્રત્યે લોકો અહીં સજાગ છે.
આ મલાણા ગામની કુલ વસ્તી ૨૪૫૦ની છે. મતદારો ચૂંટણીમાં ભાગ લે છે. વહીવટીતંત્ર અહીં જાગૃતિ માટે શિબિરો પણ ચલાવે છે. આ વસતીમાં નોંધાયેલાં ૮૪૫ મતદારો છે. ૨૦૧૨માં ૫૨૦ મતદારોએ મતદાન કર્યું હતું. જીતનાર હિમાચલની લોકપ્રિય પાર્ટીના મહેશ્વરસિંહને ૨૦૯ વોટ મળ્યા હતા. મલાણાની સંસદમાં બે લાઈન હોય છે. તેનું ગ્રીસ જેવું સ્વરૂપ હોય છે. નીચેની સંસદમાં સિનિયરોની ઉપલી સંસદ હોય છે. જેમાં ૧૧ સભ્યો હોય છે. જેમાં ૩ સ્થાયી હોય છે અને ૮ જણાએ ચૂંટણી લડવી પડે. અહીંના નિયમો કોઈ તોડે તો રૂપિયા ૨,૦૦૦નો દંડ આપવો પડે છે.
અહીં ચરસની જ ખેતી મુખ્ય છે. તેને લોકો કાળું સોનું કહે છે. ૫ વર્ષનાં બાળકો પણ ખેતીકામમાં મદદ કરે છે. પ્રવાસીઓ આવી શકે પણ તે અહીં રોકાઈ શકતા નથી.