હું ક્યારેય ભગવાન પાસે કશું માગતો જ નથી: નરેન્દ્ર મોદી

Wednesday 22nd May 2019 06:10 EDT
 
 

નવી દિલ્હી: ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી કેદારનાથ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૭ કલાકની ધ્યાન સાધના શરૂ કરી હતી. ગુફામાં ધ્યાન લગાવ્યા બાદ બીજા દિવસે મોદી બદરીનાથ મંદિર પહોંચ્યાં હતાં અને પૂજા કરી હતી. પૂજા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, હું ચૂંટણી પંચનો આભાર માનું છું કે, મને તેના કારણે બે દિવસ ધ્યાન લગાવવાની તક મળી. ઘણા લાંબા સમય પછી મને ગુફામાં ધ્યાન લગાવવાની તક પ્રાપ્ત થઈ છે.
તમે કેદારનાથમાં ભગવાન પાસે શું માગ્યું? તેવા સવાલના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે, હું માગવાની વૃત્તિ ધરાવતો નથી. હું આ પ્રકારની વિચારધારા સાથે સહમત પણ નથી. હું ભગવાન પાસે કશું માગતો નથી અને ભગવાન પાસે માગવું જોઈએ તેવી પ્રવૃત્તિ સાથે સહમત પણ થતો નથી.
તેમણે કહ્યું હતું કે ભગવાને આપણને માગવા માટે નહીં, પરંતુ આપવા યોગ્ય બનાવ્યા છે. ઈશ્વરે જે ક્ષમતા આપણને આપી છે તે આપણે સમાજને આપવી જોઈએ. મેં ભગવાન પાસે સમગ્ર ભારત અને માનવજાત માટે આશીર્વાદ માગ્યા છે.
લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થતા જ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શીવના શરણમાં કેદારનાથ પહોચ્યાં હતા. જ્યાં મંદિર પરિસરમાં કેદારનાથ તીર્થ પુરોહિતોએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ ભગવાન શીવની પૂજા-અર્ચના અને રુદ્રાભિષેક માટે મંદિરના ગર્ભગૃહમાં દાખલ થયા હતા. કેદારનાથ મંદિર દર્શન બાદ મોદીએ અહીં જે કાર્યો થઈ રહ્યા છે તેની ચર્ચા કરી હતી.
નરેન્દ્ર મોદી અહીં હેલિકોપ્ટરથી ઉતર્યા બાદ સ્લેટી રંગના પહાડી પોશાકમાં જોવા મળ્યા હતા. કેસરિયો ગમછો અને પહાડી ટોપી પણ પહેરેલા જોવા મળ્યા હતા. તેમના માટે અહીં વિશેષ રેડ કાર્પેટ બિછાવાઈ હતી.
છેલ્લા બે વર્ષમાં મોદીની આ ચોથી કેદારનાથ મંદિરની મુલાકાત હતી. ભાજપના ઉત્તરાખંડના પ્રમુખ અજય ભટ્ટે જણાવ્યું હતું કે મોદીની આ ટ્રીપ માત્ર એક ધાર્મિક મુલાકાત જ હતી.

ગુફાનું એક દિવસનું ભાડું રૂ. ૯૯૦

આ ગુફાનું એક દિવસનું ભાડું ફક્ત રૂ. ૯૯૦ છે. ગુફામાં કોલ બેલ છે જેનાથી એટેન્ડન્ટ સાથે વાતચીત કરી શકાય છે. પાણી અને વીજળી તેમજ બે ટાઇમ ચા- નાસ્તો અને ભોજનની વ્યવસ્થા છે. વડા પ્રધાનની સૂચનાને આધારે ગઢવાલ મંડલ વિકાસ નિગમ દ્વારા આ ગુફા બનાવાઈ છે. જે મંદિરથી ઉપર ૧ કિલોમીટર દૂર છે. અગાઉ તેનું ભાડું રૂ. ૩,૦૦૦ નક્કી કરાયું હતું, જેમાં ફરજિયાત ૩ દિવસ રહેવું પડતું હતું, પણ બુકિંગ ઓછું મળતા ભાડું ઘટાડાયું હતું અને ૩ દિવસનું બુકિંગ ૧ દિવસનું કરાયું હતું. ગુફાની બહાર કમાન્ડો મોદીની સુરક્ષા માટે તહેનાત કરાયા હતા. તેઓ સીસીટીવી કેમેરા પર સતત નજર રાખતા હતા. ગુફામાં પાણી અને વીજળીની વ્યવસ્થા કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter