હું પ્રોમિસ કરું છું, તમને મારી ઉપર ગર્વ થશેઃ આર્યનનું વચન

Wednesday 20th October 2021 06:07 EDT
 
 

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. હવે આર્યન ખાન વિશે કહેવાઇ રહ્યું છે કે જ્યારે તે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની કસ્ટડીમાં હતો ત્યારે એજન્સી દ્વારા તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. અહેવાલો અનુસાર, આર્યન ખાને એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને વચન આપ્યું છે કે તે સારું કામ કરશે અને એમને એક દિવસ તેના પર ગર્વ થશે.
અહેવાલ અનુસાર, ૨૩ વર્ષના આર્યન ખાને સમીર વાનખેડેને કહ્યું, ‘હું સમાજના ગરીબ, નબળા વર્ગની મદદ કરીશ. જેના માટે એક દિવસ તમને મારા પર ગર્વ થશે.’ આર્યન ખાને કાઉન્સેલિંગ દરમિયાન જેલમાંથી છૂટ્યા બાદ એક સારા વ્યક્તિ બનવાનું વચન આપ્યું છે. એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાન અને અન્ય લોકોને એનજીઓના કાર્યકરો અને સમીર વાનખેડે સહિત એનસીબીના અધિકારીઓએ સલાહ આપી હતી. આ પકડાયેલા લોકોને ડ્રગ્સથી થતા નુકસાન અને સમાજ માટે ખતરા વિશે સમજાવ્યું હતું.
શાહરુખ-ગૌરી સાથે વીડિયો કોલથી વાત
વિશેષ અદાલતે ડ્રગ્સ કેસમાં જામીનનો ચુકાદો ૨૦ ઓક્ટોબર - બુધવાર સુધી અનામત રાખતાં આર્યન ખાનને જેલમાં જ રહેવું પડશે. આર્થર રોડ જેલમાં રખાયેલા આર્યન ખાનને કાચા કામના કેદીના શેલમાં ખસેડી દેવાયો હોવાથી હવે તેને જેલ મેન્યુઅલ પ્રમાણેની સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે. તેને જેલનું જ ભોજન અપાય છે. આ દરમિયાન શાહરુખ ખાન અને ગૌરી ખાને આર્યન સાથે ૧૦ મિનિટ સુધી વીડિયો કોલ પર વાતચીત કરી હતી. કોવિડ મહામારીના કારણે કેદીઓને સપ્તાહમાં બે વાર પરિવાર સાથે વીડિયો કોલિંગ કરવા દેવાના બોમ્બે હાઇ કોર્ટના આદેશ અનુસાર આર્યન ખાનને પણ આ સુવિધા અપાઇ હતી.

સંપર્કો શોધવા વિદેશ મંત્રાલયની મદદ
એનસીબીએ જણાવ્યું હતું કે, આર્યન ખાન ચાર વર્ષથી ડ્રગ્સનો બંધાણી છે અને અમે તેના વિદેશી સંપર્કો શોધી કાઢવા વિદેશ મંત્રાલયની મદદ લઇ રહ્યાં છીએ. આર્યન ખાન ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટના સભ્યોના સંપર્કમાં પણ હતો. અમે તેમની ઓળખ કરવા માટે વિદેશ મંત્રાલયની મદદ માગી છે. જે વ્યક્તિ ડ્રગ ડીલરો સાથે સંપર્કમાં હોય તેની પાસેથી ડ્રગ ન મળ્યું હોય તો પણ તેને જામીન આપી શકાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter