હું ભાગેડુ નથી, ટ્રીટમેન્ટ માટે એન્ટિગુઆમાં છુંઃ મેહુલ ચોકસી

Thursday 20th June 2019 08:16 EDT
 

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને ભારતથી ફરાર થયેલા જ્વેલર મેહુલ ચોકસીએ સોમવારે મુંબઈ હાઇ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે હું ભારતથી ભાગી ગયો નથી, હું હાલમાં એન્ટિગુઆમાં રહું છું અને મારી ઉપર ઉપચાર ચાલી રહ્યો હોવાથી હું ભારત આવી શકું તેમ નથી. હું તપાસ એજન્સીઓ સીબીઆઈ અને ઈડીને સહયોગ કરતો નથી એવો આરોપ ખોટો છે. સરકારી એજન્સીઓ ઈચ્છે તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મારી પૂછપરછ કરી શકે છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) પણ એન્ટિગુઆ આવીને પૂછપરછ કરી શકે છે.

મેહુલ ચોકસીએ તેની બીમારી વિશેના દસ્તાવેજ પણ કોર્ટને સોંપ્યા હતા. જો કે મેહુલ ચોક્સીને કઇ બીમારી છે તેની જાણકારી મળી શકી નથી.

ઈડી ત્રીજી જૂને બોમ્બે હાઇ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં રૂ. ૬,૦૯૭ કરોડની હેરફેર કરવાનો આરોપી છે. તપાસમાં સહયોગ આપવા માટે તેને સમન્સ જારી કરવામાં આવ્યા હતા પણ એ સહયોગ આપતો નથી. તેણે એન્ટિગુઆની નાગરિકતા લીધી છે જે દર્શાવે છે કે તે ભારત આવવા માગતો નથી આથી તે ભાગેડુ અને ફરાર છે.

ઈડીની આ એફિડેવિટના વિરોધમાં મેહુલ ચોકસીએ અરજી કરી હતી કે એ ભાગેડુ આરોપી નથી. જે લોકોના નિવેદનોના આધાર પર તેને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે એ લોકો સાથે તેને વાત કરવાની પરવાનગી આપવામાં આવે. જોકે કોર્ટે આ અરજીઓ સ્વીકારી નહોતી તેથી સોમવારે તેના વકીલે નવી એફિડેવિટ રજૂ કરીને મેહુલ ચોકસીની વાત રજૂ કરી હતી.

ઈડીએ કહ્યું હતું કે મેડિકલ કારણો આપીને મેહુલ ચોકસી ભારત આવવા અસમર્થ હોવાનું કહે છે એ માત્ર બહાનું છે. તે ભારતમાં પણ સારવાર કરાવી શકે છે.

જો મેહુલ ચોકસી કોર્ટમાં રજૂ થાય નહીં તો કોર્ટ તેને ભાગેડુ આરોપી જાહેર કરી શકે છે. આમ થાય તો તેની તમામ સંપત્તિ જપ્ત થઈ શકે છે. સંપત્તિ જપ્ત થાય નહીં એ માટે મેહુલ ચોક્સીએ બીમારીનું બહાનું બનાવ્યું હોવાની આશંકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter