લખનઉઃ લોકસભા ચૂંટણી માટે વધી રહેલી રસાકસી વચ્ચે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. લખઉનમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં માયવતીએ જણાવ્યું હતું કે તેઓ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે તેમની બેઠક પરથી વ્યક્તિગત જીતને મુકાબલે સપા-બસપા ગઠબંધન સૌથી વધુ બેઠક પર જીતે તે વધુ અગત્યનું છે. આ ગઠબંધન અનેક રાજ્યોમાં સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. તેમણે કહ્યું કે સપા અને આરએલડી સાથે બસપા મજબૂત ગઠબંધન ધરાવે છે અને આ ગઠબંધન ભાજપને રાજ્યમાં જરૂર પરાજય આપશે.
મીડિયા સાથે વાત કરતા બસપા સુપ્રીમોએ જણાવ્યું હતું કે, ‘હું ઇચ્છું ત્યારે લોકસભા ચૂંટણી જીતવાની સ્થિતિમાં છું. સપા, બસપા, રાલોદ ગઠબંધન પણ સારી સ્થિતિમાં છે. પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડું. આગળ પર જરૂર પડ્યે કોઈ પણ બેઠક પરથી ચૂંટણી લડી શકું છું.’ આ પહેલાં માયાવતી નગીના લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા હતી. માયાવતીએ આ દરમિયાન કહ્યું હતું કે વર્તમાન સંજોગો ઉપરાંત પક્ષ અને જનતાના હિતાને જોતાં તેમણે વર્તમાન લોકસભા ચૂંટણી નહીં લડવા નિર્ણય લીધો છે.