કેપ ટાઉનઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ મોદી સરકારને ઘેરી રહ્યા છે. આ બાબતે ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરે એમના પર નિશાન સાધતા કહ્યું છે કે, કેટલીક બાબતો રાજકારણથી પર હોય છે. હું વિદેશયાત્રા દરમિયાન રાજકીય વાદ-વિવાદ કરું નહિ.
વિદેશપ્રધાન એસ.જયશંકર બ્રિક્સ દેશોના વિદેશપ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. કેપટાઉનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત દરમિયાન ભારતીય મૂળના એક વ્યક્તિએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના એમની અમેરિકાની પ્રવાસ- મુલાકાત અંગે સવાલ કર્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે અમેરિકામાં ‘કોઈક’ની ટિપ્પણી વિશે એમનું શું કહેવું છે? જયશંકરે ઉત્તરમાં કહ્યું કે, ‘જુઓ, હું મારી વાત કરી શકું. હું કોશિશ કરું છું કે જ્યારે વિદેશ જાઉં ત્યારે રાજકારણ ન કરું. જો મારે વાદ-વિવાદ કરવા હોય તો હું મારા દેશમાં કરીશ.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘એક લોકશાહી દેશમાં સૌની સામૂહિક જવાબદારી, રાષ્ટ્રીય હિત, સામૂહિક છબી હોય છે. કેટલીક બાબતો રાજકારણથી પર હોય છે. જ્યારે તમે દેશની બહાર પગ મૂકો છો તો તમારે એ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. હું કોઈકની સાથે મારો અલગ મત રજૂ કરી શકું છું.’


