હૈદરાબાદ ગેંગ રેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Friday 06th December 2019 05:53 EST
 
 

હૈદરાબાદઃ બહુચર્ચિત હૈદરાબાદ ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ચારેય આરોપીઓને આ નિર્મમ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે શુક્રવારે વહેલી સવારે નેશનલ હાઇવે નંબર ૪૪ પર ઘટનાસ્થળે લઇ જવાયા હતા. જ્યાં તેમણે પોલીસ પર હુમલો કરીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં ચારેય ઠાર મરાયા હતા. હૈદરાબાદની વેટરનરી ડોક્ટર યુવતી પર બળાત્કાર ગુજારીને તેને જીવતી સળગાવી નાખવાની આ ઘટના બાદ દેશભરમાં આક્રોશનો જ્વાળામુખી ફેલાયો છે. હૈદરાબાદમાં તો રોષે ભરાયેલા સેંકડો લોકોના ટોળાએ આરોપીઓને જે પોલીસ સ્ટેશનમાં રખાયા હતા તેને ઘેરી લીધું હતું અને આરોપીઓને લોકોના હવાલે કરી દેવાની જોરદાર માગણી કરી હતી.
પોલીસ એન્કાઉન્ટરની ઘટના અંગે મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. બહુમતી વર્ગે જઘન્ય ગુનો આચરનાર આરોપીઓ ઠાર મરાયા છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો છે. પીડિતાને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્તિ કરી છે. હૈદરાબાદમાં તો લોકો પોલીસ કાર્યવાહીને બિરદાવીને તેમના પર પુષ્પવર્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ, માનવાધિકાર ચળવળકારો સહિતના એક વર્ગે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે પોલીસનું આ એન્કાઉન્ટર બનાવટી છે.

આરોપીઓએ નાસવાનો પ્રયાસ કર્યોઃ પોલીસ

શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે, પોલીસ ચારેય આરોપીઓને લઈને એ અંડરબ્રિજ તરફ જઈ રહી હતી, જ્યાં તેમણે વેટરનરી ડોક્ટર પર કેરોસીન છાંટીને સળગાવી નાંખી હતી. પૂછપરછ અને ઘટનાના રિકન્સ્ટ્રક્શન વેળા આરોપીઓએ પોલીસના હથિયાર છીનવી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે તેમણે પોલીસ જવાનો પર ફાયરિંગ પણ કર્યું હતું. સ્વરક્ષામાં પોલીસે આ આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ચારેય આરોપીઓના મોત થયા હતા.
સાઈબરાબાદ પોલીસ કમિશનર વી. સી. સજ્જનરે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ શુક્રવારે વહેલી સવારે ત્રણથી છ વાગ્યા વચ્ચે શાદનગર સ્થિત ચતનપલ્લીમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

દીકરીના આત્માને શાંતિ મળી હશેઃ યુવતીના પિતા

એન્કાઉન્ટરના સમાચાર જાણ્યા બાદ પીડિતાના માતાએ કહ્યું હતું કે જેમણે દુ:ખ અનુભવ્યું છે તે લોકો જ દુઃખ અનુભવશે. મને લાગે છે કે ન્યાય થયો છે. હાલ સુધી નિર્ભયાના કેસમાં પણ કાંઈ થયું નહોતું. રોજ, હું કહેતી હતી કે કશું થતું નથી. પરંતુ તેમણે પગલાં લઇ દેખાડ્યા છે. મારી દીકરી ખૂબ સરસ હતી. હું અત્યારે પણ વિચારું છું કે મારી દીકરી ઘરે પાછી આવશે. તે ઘરેથી જમ્યા વિના ગઈ હતી. તેમણે કહ્યું હતું કે કાયદામાં ફેરફાર થવો જોઈએ અને જો કોઈ ભૂલ કરે તો તરત જ સજા મળવી જોઈએ.
પીડિતાના પિતાએ જણાવ્યું હતું, ‘અમારી દીકરીના મૃત્યુને આજે દસ દિવસ થઈ ગયા છે અને આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે એ બદલ હું પોલીસને અભિનંદન આપું છું. હવે મારી દીકરીની આત્માને શાંતિ મળશે.’
પીડિતાનાં બહેને કહ્યું હતું, ‘આ ઘટના એક ઉદાહરણ બનશે અને બીજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર કરવાથી પણ હવે ડરશે. આ ઘટના પછી અમારી પડખે રહેવા બદલ હું તમામનો આભાર માનું છું.’

ભગવાને સજા આપી દીધીઃ કાયદાપ્રધાન

તેલંગણના કાયદા પ્રધાને ઈન્દ્રાકરણ રેડ્ડીએ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે કાયદા પહેલા ભગવાને આરોપીઓને સજા આપી દીધી છે. તેમની સાથે જે થયું છે એનાથી આખો દેશ ખુશ છે. ટીવીમાં આપણે જોયું કે આરોપી પોલીસના હથિયાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ જે થયું એ સારું થયું.

એન્કાઉન્ટરની તરફેણ અને વિરોધ

ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભાના સાંસદ મેનકા ગાંધીએ હૈદરાબાદ ગેંગરેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટરની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, હું આ એન્કાઉન્ટરની વિરુદ્ધ છું. જે કંઈ પણ થયું છે તે વધારે ભયાનક છે. તમે કાયદાને હાથમાં ન લઈ શકો. કાયદા પ્રમાણે પણ તેમને ફાંસી મળત. જો તમે કાયદેસરની સજા પહેલાં એમને ગોળી મારી દેશો તો પછી અદાલત, પોલીસ અને કાયદાના રાજનો ફાયદો શું છે. નિર્ભયા કેસના આરોપીને હજી સુધી સજા નથી મળી તો એ કાયદાની ક્ષતિ છે, પરંતુ ન્યાયમાં વિલંબનો મતલબ સીધી ગોળી મારી દેવો એ નથી.
કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ કહ્યું કે આ ખોટું છે તેને ટેકો ન આપી શકાય. પોલીસ કાયદો પોતાના હાથમાં લે અને ન્યાયના લીરાં ઉડાવે તેને ટેકો ન આપી શકાય. તપાસ થવી જોઈએ. કેટલાક લોકો એન્કાઉન્ટરને ટેકો આપે છે એટલા માત્રથી એન્કાઉન્ટરને ન્યાયી ન ઠેરવી શકાય. કેટલાંક તો વળી લિન્ચિંગને પણ ટેકો આપે છે.
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે પણ કહ્યું કે મને હૈદરાબાદ ઘટનાના તથ્યો વિશે જાણ નથી પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે હું માનું છું કે એ સાચું એન્કાઉન્ટર છે કે નહીં તેની યોગ્ય તપાસ થવી જોઈએ.
એન્કાઉન્ટરની આ ઘટના અંગે ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી ડી. જી. વણઝારાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પોલીસે દુષ્કર્મની ઘટના કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરવી જોઈએ. પકડાયેલાં તહોમતદારો જો ભાગવાના પ્રયત્નો કરે અથવા પોલીસ પર હુમલો કરવાના પ્રયત્નો કરે તો ગુજરાતમાં પણ એન્કાઉન્ટર થવાં જોઈએ અને તેમને પણ એ જ સ્થાન બતાવવું જોઈએ, જે સ્થાન હૈદરાબાદની પોલીસે ત્યાં દેખાડ્યું છે.

માનવઅધિકાર પંચે તપાસ શરૂ કરી

હૈદરાબાદ એન્કાઉન્ટર કેસની ઘટનાની રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે નોંધ લીધી છે. માધ્યમોના અહેવાલોને આધારે આને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆરસી)એ સુઓમોટો ફરિયાદ ગણી છે. પંચે ડીજી (ઇન્વેસ્ટિગેશન)ને આ ઘટનાની તત્કાળ તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter