હૈદરાબાદઃ વર્ષ ૨૦૧૩ની ૨૧મી ફેબ્રુઆરીએ સાંજે હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારમાં કોનાર્ક અને વેંકટાદિરી થિયેટરોની નજીક બે બોમ્બનો આઈઈડી દ્વારા વિસ્ફોટ કરાયો હતો. એ વિસ્ફોટોએ ૧૮નાં જીવ લીધાં હતાં અને અનેકને ઘાયલ કર્યા હતા. આ કેસમાં સ્પેશિયલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના સ્થાપક આતંકી યાસીન ભટકલ સહિત તમામ પાંચ અપરાધીઓને ૧૯મીએ ફાંસીની સજા ફરમાવી છે. આ વિસ્ફોટ મામલે કોર્ટે ૧૯મી ડિસેમ્બરે અસદુલ્લાહ અખ્તર ઉર્ફે હાદી, યાસીન ભટકલ ઉર્ફે મહોમ્મદ અહમદ સિદ્દીબપ્પા, તહસીન અખ્તર ઉર્ફે મોનૂ, પાકિસ્તાની નાગરિક જિયા ઉર રહેમાન ઉર્ફે વકાસ અને એજાજ શેખ સહિત પાંચેય આરોપીઓને દોષી કરાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ૧૩મી ડિસેમ્બરે જ NIAએ યાસીન ભટકલ તથા અન્ય ચારને અપરાધી જાહેર કર્યા હતા અને સજાની સુનાવણી ૧૯મી પર મુલતવી રાખી હતી.