ચૂંટણીના બીજા રાઉન્ડમાં ૯૫ બેઠકો ઉપર સરેરાશ ૬૬ ટકા મતદાન

Monday 22nd April 2019 11:43 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું ૪૫ ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ત્રણ-ચાર સ્થળે અને બિહારનાં બાંકામાં મતદાન હિંસથી ખરડાયું હતું. કેટલાક સ્થળે મતદાન મશીન અને વીવીપીએટ મશીનોમાં ખામી સર્જાઇ હતી.
કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં સંસદીય મતવિસ્તારોમાં ૧૬૦૬ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. બે સંસદીય મતવિસ્તારોમાં ચૂંટણી રદ થતાં કુલ ૧૬૨૯ ઉમેદવારો પૈકી ૧૬૦૬ ઉમેદવારો મેદાનમાં હતા. ૧૧ રાજ્યો અને પુડ્ડુચેરીનાં કુલ ૧૫.૭૯ કરોડ મતદારો પૈકી કરોડો મતદારોએ તેમના પસંદગીનાં ઉમેદવારને ચૂંટી કાઢવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મથકોએ મતદારોની ભારે ભીડ હતી. ખાસ તો પહેલીવાર મતદાન કરતા યુવાનોનો ઉત્સાહ છલકતો હતો.

દિગ્ગજોનું ભાવિ સીલ

બીજા ચરણનાં મતદાનમાં મથુરાથી ભાજપનાં હેમા માલિની, ટુમકુરથી જેડીએસનાં એચ. ડી. દેવેગૌડા, શ્રીનગરથી નેશનલ કોન્ફરન્સનાં ફારુક અબ્દુલ્લા, ફતેહપુર સિક્રીથી કોંગ્રેસનાં રાજ બબ્બર, સોલાપુરથી કોંગ્રેસનાં સુશીલકુમાર શિંદે અને બેંગ્લૂરુ-સાઉથથી ભાજપનાં તેજસ્વી સૂર્યા, બેંગ્લૂરુ-નોર્થથી સદાનંદ ગૌડા, જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુરથી કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ તેમજ તામિલનાડુની તુતુકુડી બેઠક પરથી દ્રમુકનાં કનીમોઝી તેમજ તારિક અનવર અને ડી. રાજા જેવા દિગ્ગજોનું ભાવિ ઈફસ્માં સીલ થયું હતું.

અધિકારીનું હાર્ટ એટેકથી મોત

છત્તીસગઢમાં કાંકેર જિલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કાંકેર લોકસભા મતવિસ્તારમાં અનંતગઢ વિસ્તારમાં આવેલા બુથ ખાતે તુકાલુરામ નારેતી નામનાં શિક્ષકને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ સરકારી સ્કુલમાં આસિસ્ટન્ટ શિક્ષક હતા. સવારે ૬ કલાકે તેમણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી.

મહિલા ચૂંટણી અધિકારીની હત્યા

ઓડિશાનાં કંધમાલમાં નક્સલીઓએ એક મહિલા ચૂંટણી અધિકારીની હત્યા કરી હતી. તેઓ મતદાન મથકે જઈ રહ્યા હતા ત્યારે ગોછાપાડ તાલુકનાં બાંલાંદાપાડા ખાતે નક્સલીઓએ તેમને ગોળી મારી દીધી હતી. સંયુક્તા દિગ્ગલ નામના મહિલા અધિકારી સુરંગનો વિસ્ફોટ થતાં શું થયું તે જોવા તેમની કારમાંથી નીચે ઉતર્યા ત્યારે તેમની હત્યા કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter