વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવને અમેરિકાનો પ્રતિષ્ઠિત ‘ટોપ યંગ સાયન્ટિસ્ટ’ એવોર્ડ પ્રાપ્ત થયો છે. કોલોરાડોના લોન ટ્રીમાં રહેતી ગીતાંજલિ હજુ તો ૧૧ વર્ષની સ્કૂલની વિદ્યાર્થિની છે ત્યાં જ તેણે પાણીમાંથી સીસાના પ્રદૂષણને શોધી કાઢવાનો સસ્તો અને સરળ ઉપાય તૈયાર કર્યો છે.
ગીતાંજલિએ એક એવું સાધન વિકસાવ્યું છે, જે નેનો ટયુબની મદદથી પાણીમાં રહેલું સીસા (લેડ)નું ઘાતક પ્રદૂષણ શોધી શકે છે. સીસું અત્યંત ઝેરી હોવાથી શરીરમાં જાય તો ઘણું નુકસાન કરી શકે છે.
અમેરિકાના મિશિગન વિસ્તારમાં આવેલા ફ્લિન્ટ શહેરમાં ૨૦૧૪-૧૫ દરમિયાન પાણીમાં સીસાના પ્રદૂષણનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. એ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે અને કેટલાક સરકારી અધિકારીઓ વિરુદ્ધ જીવલેણ બેદરકારીનો કેસ ચાલી રહ્યો છે. એ વખતે પાણીમાં સીસું ભળ્યું હતું. એ ઘટનામાંથી પ્રેરણા લઈને ગીતાંજલિએ આ સાધન વિકસાવ્યું છે. એવોર્ડમાં સર્ટિફિકેટ અને ૨૫ હજાર ડોલરની પ્રાઇઝ મનીનો સમાવેશ થાય છે. અમેરિકામાં અનેક એવા જળાશયો છે, જેમાં લેડનું ઉંચું પ્રમાણ જોવા મળે છે. જોકે પરીક્ષણ વગર આ જળાશયોને અલગ તારવી શકાતા નથી. બીજી તરફ પાણીમાં લેડનું પ્રમાણ કેટલું છે તેની તપાસ ઘણી મોંઘી છે. ગીતાંજલિએ આ ચકાસણીનો સસ્તો વિકલ્પ તૈયાર કર્યો છે. ગીતાંજલિએ તૈયાર કરેલું સાધન ગમેત્યાં લઈ જઈ શકાય છે અને મોબાઈલ સાથે જોડીને પાણીમાં રહેલું લેડનું પ્રદૂષણ માપી શકાય એવું છે.
બાળકોમાં રહેલી સંશોધનવૃત્તિને ઉત્તેજન આપવા માટે અમેરિકા દર વર્ષે આ એવોર્ડ જાહેર કરે છે. તેમાં ઘણી વખત ભારતીય મૂળના બાળકો બાજી મારી જાય છે. સમગ્ર દેશમાંથી માત્ર ત્રણ બાળકોની એવોર્ડ માટે પસંદગી થાય છે, આ વખતે તેમાં ભારતીય ગીતાંજલિનું નામ પણ સામેલ છે.


