બેંગ્લુરુ: ‘જીવિત ભગવાન’ના નામથી પ્રખ્યાત કર્ણાટકના સિદ્ધગંગા મઠના પીઠાધિશ્વર શિવકુમાર સ્વામી સોમવારે બ્રહ્મલીન થયા હતા. તેઓ ૧૧૧ વર્ષના હતા. ૮ ડિસેમ્બરે થયેલા ઓપરેશન પછી તેમનું શરીર ખૂબ જ નબળું થઈ ગયું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે વહેલી પરોઢે થયા હતા. કર્ણાટકના રામનગર જિલ્લાના વીરપુરા ગામમાં જન્મેલા લિંગાયત – વીરશૈવ સમાજના શિવકુમાર સ્વામીને ૨૦૧૫માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને અનેક સામાજિક કાર્યોમાં યોગદાન માટે ઓળખવામાં આવે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમના માટે કહ્યું હતું કે, મેં ઇશ્વરને જોયા છે, સ્વામીજીએ લોકોને સુખ આપવા માટે જીવનભર દુઃખ પીડા પોતાના કરી લીધાં છે.
૧૦ મે ૨૦૦૭માં તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સંસદ સત્રને સંબોધન કરી રહ્યા હતા. સ્વામી શિવકુમારનો ૧૦૦મો જન્મ શતાબ્દિ સમારંભ અને લિંગાયત મઠના ૩૦૦ વર્ષ જૂના ઇતિહાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું ‘મેં ઇશ્વર જોયા છે. સાક્ષાત્ પોતાની આંખો સામે. તે વ્યક્તિને સુખ વહેંચવામાં સુખ મળે છે. તેમના શરીર અને આત્મામાં તમને આપવા માટે બધું છે. જો તમારી પાસે જ્ઞાન છે તો તે શેર કરો. સંશાધન છે તો જરૂરતમંદો સાથે વહેંચો. પોતાના હૃદયનો ઉપયોગ કરી બીજાનાં દુઃખ અને પીડા દૂર કરવા અને તેમને ખુશી આપવા માટે કરો. જો તમને આપવામાં સુખ મળે તો ઇશ્વર તમને બધાં કાર્યોના આશીર્વાદ આપશે. મેં આ બધું પોતાની આંખો સામે સ્વામીજીને કરતા જોયા છે. તેમણે લોકોને માત્ર આપ્યું. તેમને હંમેશા ઇશ્વરના આશીર્વાદ મળશે. તેથી તે જીવિત ભગવાન છે. સંસદમાં તેમણે સ્વામીજી પર લખેલી પોતાની કવિતા પણ સંભળાવી.
૧૦ હજાર બાળકોને શિક્ષણ રહેઠાણ ભોજન ફ્રી
મઠ તરફથી ૧૦ હજાર બાળકોને દૈનિક મફત ભોજન અને તેમના અભ્યાસની વ્યવસ્થા કરાઈ છે. મઠ ૧૫૦થી વધુ શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે. તેમાં એન્જિનિયરિંગ કોલેજ પણ છે.
૩૦ જિલ્લામાં લિંગાયત સમાજનો રાજકીય પ્રભાવ
કર્ણાટકના ૩૦ જિલ્લામાં લિંગાયત મઠનો પ્રભાવ છે. આ સમાજના મતદારોનો હિસ્સો ૧૮ ટકા છે અને ૧૦૦થી વધુ બેઠકો પર તેમનો સીધો પ્રભાવ છે.


