મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ૧૩મીએ ૧૨ ખાતાં એવા શોધી કાઢયા છે કે જેમની એનપીએ બેંકોની કુલ એનપીએની ૨૫ ટકા છે. ૧૨ પૈકી દરેક ખાતામાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવવાની બાકી છે. આ તમામ ખાતા વિરુદ્ધ નાદારી કાયદા હેઠળ કાર્યવાહી કરવા બેંકોને આદેશ આપવામાં આવ્યો છે. ડિફોલ્ટર્સના નામ જાહેર કર્યા વગર રિઝર્વ બેંકે જણાવ્યું છે કે આ ડિફોલ્ટર્સ પાસેથી રકમ પરત મેળવવા નાદારીના કાયદા હેઠળ કાર્યવાહી કરવા બેંકોને આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય બેન્કિંગ સેક્ટર એનપીએની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભારતીય બેંકોની કુલ એનપીએ વધીને ૮ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. તે પૈકી ૬ લાખ કરોડ રૂપિયાની એનપીએ સરકારી બેંકોની છે.
આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઇન્ટરનલ એડવાઇઝરી કમિટી (આઇએસી)એ ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ધરાવતા ખાતાઓ વિરુદ્ધ ઇનસોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ધરાવતા ૧૨ ખાતા શોધી કાઢ્યા છે જેમની વિરુદ્ધ આઇએસીની ભલામણ મુજબ કાર્યવાહી કરી શકાય.