૧૨ વર્ષથી નાના બાળકો પર કોરોનાની રસીની ટ્રાયલ થશે

Tuesday 05th January 2021 14:56 EST
 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણનો કુલ આંક પાંચમીએ ૧૦૩૭૩૨૮૭ અને કુલ મૃતકાંક ૧૫૦૧૦૬ અને રિકવરી આંક ૯૯૯૨૦૩૯ પહોંચ્યો છે ત્યારે ભારતમાં કોરોના સંક્રમણને નાથવા માટે રસીકરણની કવાયત ચાલી રહી છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણથી બચવા બે પ્રકારના વય જૂથના લોકોને વિશેષ સાવધાની રાખવાની વારંવાર સલાહ અપાતી હતી. તેમાં ૧૦થી ૧૨ વર્ષના બાળકો અને બીજું વયજૂથ ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો. દેશમાં રવિવારે કોરોનાની બે વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે. જોકે, તેમાંથી કોઈ વેક્સિન ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નહીં અપાય.
દેશના ડ્રગ કંટ્રોલર જનરલે કોવિશીલ્ડને ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવાની જ મંજૂરી આપી છે જ્યારે કોવેક્સિન ૧૨ વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે.
જોકે, કેન્દ્ર સરકારે ભારત બાયોટેકને ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોવેક્સિનનું પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે. તેનું કારણ એ છે કે અત્યાર સુધી આ ઉંમરના બાળકો પર વેક્સિનનું પરીક્ષણ જ નથી થયું. દેશમાં કોવિશીલ્ડનું ઉત્પાદન સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે, જ્યારે કોવેક્સિન ભારત બાયોટેક અને ICMR દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ રહી છે.
ભારતમાં બ્રિટનના નવા કોરોના સ્ટ્રેનના બે ડઝનથી વધુ કેસ
બ્રિટનમાં ઉદ્દભવેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેને ભારતમાં પણ દેખા દીધી છે. ઉત્તર પ્રદેશમાં નવા સ્ટ્રેનના ૧૦, મેરઠમાં ૧, નોઇડામાં ૩, ગાઝિયાબાદમાં બે, બરેલીમાં એક અને દિલ્હીથી ઉત્તર પ્રદેશ આવેલા બેમાં નવા સ્ટ્રેનનું સંક્રમણ જણાયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ૫૦૦થી વધુ અને પૂણેમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ લાપતા હોવાથી ભય ફેલાયો છે. બીજી તરફ મેરઠમાં બે વર્ષીય બાળકી નવા સ્ટ્રેનથી સંક્રમિત મળતાં ચિંતા ફેલાઈ છે. વિશાખાપટ્ટનમમાં બ્રિટનથી પરત આવેલા ૭ વર્ષીય કિશોરમાં નવો સ્ટ્રેન મળ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter