નવી દિલ્હી: યુનેસ્કોએ રવિવારે તેલંગણના મુલુગુ જિલ્લામાં આવેલા ૧૩મી સદીમાં નિર્માણ પામેલા રૂદ્રેશ્વર (રામપ્પા) મંદિરનો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કોએ ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપતાં જ વડા પ્રધાન નરેન્દ્રી મોદીએ તેલંગણના લોકોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે આ મંદિર કાકટિયા રાજવંશકાળની સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે. મંદિરના શિલ્પી રામપ્પાના નામે મંદિર ઓળખાતું રહ્યું છે.
ચીનના ફુઝોઉના યજમાનપદે યોજાયેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિની ૪૪મી બેઠકમાં વિવિધ નોમિનેશન્સ તપાસીને, વિદ્વાનોની ચર્ચાવિચારણાના અંતે વિશ્વના વિવિધ દેશોના પૌરાણિક વારસાને વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક ધરોહર)ની યાદીમાં સ્થાન અપાઇ રહ્યું છે. ૩૧ જુલાઇ સુધી ચાલનારી આ બેઠકમાં રવિવારે દક્ષિણ ભારતના રામપ્પા મંદિરને આ સન્માન મળ્યું છે.
૮૦૦ વર્ષ પ્રાચીન મંદિર
રામપ્પા મંદિર ૧૩મી સદીમાં એટલે કે ૮૦૦ વર્ષ પહેલાં બનેલું છે. વારંગલથી ૬૫ કિમીના અંતરે આવેલા આ મંદિર વિશે મધ્યયુગીન પ્રવાસી માર્કો પોલોએ લખ્યું છેઃ ડેક્કન (દક્ષિણ ભારત)માં આવેલા અનેક મંદિરોમાં આ સૌથી સમૃદ્ધ મંદિર છે. અહીં એક સમયે કાકટિયા વંશનું શાસન હતું. કાકટિયા રાજવીઓ કળાપ્રેમી હતા અને ઉત્તમોત્તમ શિલ્પ કરી-કરાવી જાણતા હતા. આથી જ અહીં ઘણા સ્થાપત્ય એવા છે, જેમાં કાકટિયા શિલ્પ શૈલી દેખાય છે. હેરિટેજ સમિતિને મોકલાયેલા લિસ્ટમાં રામપ્પા મંદિર ઉપરાંત એક હજાર સ્તંભ ધરાવતા હનુમાનકોંડા મંદિર અને સ્વયંપ્રભુ મંદિર - કિર્તી તોરણનો પણ સામેલ હતા.
કાકટિયા રાજા ગણપતિ દેવના શાસનકાળમાં તેમના લશ્કરી અમલદાર રુદ્રા રેડ્ડીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર શિવાલય છે અને તેનું બીજું નામ રુદ્રેશ્વર મંદિર પણ છે. નીચેથી જોતાં ખ્યાલ ન આવે, પરંતુ ડ્રોન ફોટોગ્રાફી દ્વારા જોવા મળે છે કે આખું મંદિર સ્ટાર આકારના છ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર આકાર પામેલું છે. કોઇ દેવાલય તેમાં બિરાજતા ઈશ્વરના નામે ઓળખાય કે પછી તેનું નિર્માણ કરાવનારા રાજ પરિવારના નામે ઓળખાય એવા કિસ્સાનો ઈતિહાસમાં તોટો નથી, પરંતુ આ મંદિર એવું છે જે તેના શિલ્પકાર રામપ્પાના નામે ઓળખાય છે.
પાંચ સાંસ્કૃતિક વારસાને પણ સ્થાન
યુનેસ્કોએ સાઉદી અરબ અને યુરોપના પાંચ સાંસ્કૃતિક વારસાના સ્થાનોનો પણ વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કો સમિતિએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ સાઉદી અરબના પહાડી વિસ્તારમાં આવેલા હિમા સાંસ્કૃતિક કેન્દ્રને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૭મી સદીમાં તૈયાર થયેલા ફ્રાન્સના કોરડૌન લાઇટહાઉસનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લાઇટહાઉસ એટલાન્ટિસ સાગરકાંઠે છે.
યાદીમાં ટ્રાન્સ-નેશનલ સાઇટ ધ ગ્રેટ સ્પા ટાઉન ઓફ યુરોપનો પણ સમાવેશ થાય છે. તેમાં સાત યુરોપીય દેશોના ૧૧ શહેરોનો સમાવેશ થાય છે. તે સાત દેશોમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને બ્રિટનનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પશ્ચિમ-મધ્ય જર્મનીમાં આવેલી ડાર્મસ્ટેડ આર્ટિસ્ટ કોલોનીનો પણ તેમાં સમાવેશ થાય છે.