નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભારતમાં હાલ સુધીમાં ૧૦૮૧૫ કેસ નોંધાયા છે અને આ બીમારીના કારણે ૩૫૩ લોકોનાં મૃત્યુ થયાં છે. સાજા થયેલા લોકોની સંખ્યા ૧૧૯૦ જેટલી નોંધાઈ હોવાનું ૧૪મી એપ્રિલે કેન્દ્રિય આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. જોકે આરોગ્ય મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, સોમવારે દેશનાં ૧૫ રાજ્યોનાં ૨૫ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી જે રાહતનાં સમાચાર છે.
આ ૨૫ જિલ્લાઓમાં ૧૪ દિવસ પહેલા સુધી કોરોનાના કેસ હતા. લોકડાઉનની સારી બાબત આ જિલ્લાઓમાં દેખાય છે. જો કે દેશના બીજા વિસ્તારોમાં કોરોનાના સંક્રમણની ઝડપ બમણી થતા ચિંતામાં વધારો થયો છે. દેશનાં ૨૬ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરાનાનો વ્યાપ વિસ્તર્યો છે.
ફક્ત આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકોનાં ટેસ્ટ ફ્રી
સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં ૧૩મી એપ્રિલે પોતાનો જૂનો આદેશ બદલ્યો છે. હવે ફક્ત ગરીબીની રેખા નીચેનાં ગરીબ લોકો કે જેઓ આયુષ્યમાનકાર્ડ ધરાવતા હોય તેના કોરોના ટેસ્ટ જ ફ્રી કરાશે. અગાઉ સરકારી અને ખાનગી લેબમાં તમામનાં કોરોના ટેસ્ટ ફ્રી કરાવવા આદેશ આપ્યો હતો.
બીજી તરફ કેન્દ્રનાં ગૃહ મંત્રાલય દ્વારા કોરોનાને કારણે દેશમાં ફસાયેલા વિદેશીઓનાં વિઝા અને ઇ. વિઝા ૩૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. દેશમાં લોકડાઉન જાહેર કરાયા પછી હજારો ફ્લાઈટ્સ બંધ થવાને કારણે હજારો વિદેશીઓ ભારતમાં ફસાઈ ગયા હતા.