૧૫૦ કરોડ ડોઝઃ ભારતે વેક્સિનેશન ક્ષેત્રે નવું શિખર સર કર્યું, ૧૫૦ કરોડથી વધારે રસી અપાઈ

Friday 14th January 2022 04:08 EST
 
 

નવી દિલ્હીઃ ભારતે વેક્સિનેશન ક્ષેત્રે નવું શીખર સર કરતાં તેના નાગરિકોને ૧૫૦ કરોડ વેક્સિન ડોઝ આપવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે વેક્સિનેશનમાં ૧૫થી ૧૮ વર્ષના વયજૂથના સમાવેશ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે અને વેક્સિનેશનની સંખ્યા ઘણી મોટી છે. વિશ્વના મોટા ભાગના અગ્રણી દેશો માટે આ મોટું આશ્ચર્ય છે. ટેસ્ટિંગથી માંડી વેક્સિનેશન સુધી ભારતે ઊભું કરેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વભરમાં કોવિડ સામેની લડતનું ઉત્તમ ઉદાહરણ છે.
કોલકતા ખાતે ચિત્તરંજન નેશનલ ઇન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનું ઉદઘાટન કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, દેશના ૯૦ ટકાથી વધુ પુખ્ત વયના લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. માત્ર પાંચ દિવસમાં ૧૫-૧૮ વર્ષના વયજૂથના ૧.૫ કરોડ બાળકોને વેક્સિન આપવામાં આવી છે. મોદીએ આ સિદ્ધિ સમગ્ર દેશ અને દરેક સરકારને અર્પણ કરી હતી. તેમણે દેશના વૈજ્ઞાનિકો, વેક્સિન ઉત્પાદકો અને આરોગ્ય ક્ષેત્રે સક્રિય લોકોનો આભાર માન્યો હતો.

ફેબ્રુઆરીમાં કોરોના પિક પર પહોંચી શકે
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા સંક્રમણે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. આઇઆઇટી-મદ્રાસના અભ્યાસમાં ગંભીર ચેતવણી ઉચ્ચારાઇ છે તે મુજબ દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેનું પિક ૧ થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. ગયા અઠવાડિયે આરઓ વેલ્યૂ ૨.૯ હતી તે વધીને ૪ થઈ ગઇ છે, જે સંક્રમણની ગંભીરતા દર્શાવે છે તેમ આઇઆઇટી-મદ્રાસના મેથ્સ વિભાગના પ્રોફેસર ડો. જયંત ઝાએ જણાવ્યું હતું.
બીજી તરફ, સરકાર દ્વારા રચાયેલી કોવિડ સુપરમોડેલ કમિટીનાં વડા એમ. વિદ્યાસાગરે કહ્યું છે કે ઓમિક્રોનના કેસની સંખ્યા વધે તો તેનાંથી ગભરાવાની જરૂર નથી. લોકોની રોગપ્રતિકારક શક્તિને ઓમિક્રોન ઘટાડી રહ્યો છે તેથી તેને વધતા રોકવા મુશ્કેલ છે. તેની અસર અન્ય વેરિઅન્ટ જેટલી ગંભીર નથી. તીવ્રતા ઓછી છે. સરકારે ઓમિક્રોનના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રતિબંધો લાદવાની જરૂર નથી કે સ્કૂલો, ઓફિસો બંધ કરવાની કે લોકડાઉન લાદવાની પણ જરૂર નથી. આનાથી તો લોકોમાં વધુ ગભરાટ ફેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter