૧૬ વર્ષનો સગીર અપરાધી હોય તો તેની સામે પુખ્ત તરીકે ખટલો ચાલશે

Wednesday 23rd December 2015 07:19 EST
 
 

દેશભરમાં ચકચાર જગાવનારા નિર્ભયા બળાત્કાર કેસના સગીર અપરાધીની નજીવી સજા બાદ મુક્તિને પગલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો કરવાની દેશભરમાંથી માગ ઉઠી હતી. જેના પગલે મંગળવારે રાજ્યસભામાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી દ્વારા રજૂ કરાયેલા જુવેનાઇલ જસ્ટિસ સુધારા ખરડાને પાંચ કલાક લાંબી ચર્ચા બાદ મંજૂરી આપી દેવાઇ હતી. પાંચ કલાકની મેરેથોન ચર્ચા બાદ ખરડો પસાર, હવે રાષ્ટ્રપતિને મોકલી અપાશે. જોકે કાયદાનો અમલ પાછલી અસરથી કરવા કેન્દ્ર સરકારનો ઇનકાર છે. અંતે વિચાર વિમર્શ અને વિવાદો બાદ જઘન્ય અપરાધોમાં હવે ૧૬ વર્ષથી નાનાને જ સગીર માનવામાં આવશે. નવા કાયદા અંતર્ગત જઘન્ય અપરાધમાં દોષિત ઠરેલા ૧૬-૧૮ વર્ષના સગીરોને જેલમાં મહત્તમ ૭ વર્ષની સજા થશે.

અત્યાર સુધી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અપરાધીને સગીર ગણી તેના પર જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઇઓ મુજબ કાર્યવાહી થતી હતી. જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં મહત્તમ સજા ત્રણ વર્ષની હતી અને દોષિતને જુવેનાઇલ હોમમાં સુધારા માટે રખાતાં હતાં. અગાઉ લોકસભામાં પસાર થઇ ચૂકેલો જુવેનાઇલ જસ્ટિસ સુધારા ખરડો રાજ્યસભામાં પસાર થઇ જતાં હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી અપાશે.

મંગળવારે રાજ્યસભામાં આ ખરડા પર રાજકીય પક્ષના સાંસદોએ પોતાના વિચાર અને આશંકાઓ રજૂ કર્યાં હતાં. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ચર્ચા પર જવાબ રજૂ કર્યો હતો. પ્રધાનોના જવાબ બાદ મતદાન દ્વારા ખરડો પસાર કરાયો હતો. ખરડા પર ચર્ચા દરમિયાન નિર્ભયાના માતાપિતા પણ રાજ્યસભામાં હાજર રહ્યાં હતાં. કોંગ્રેસ, ટીએમસી, ટીડીપી અને શિવસેના સહિતની પાર્ટીઓએ ખરડાના સમર્થનમાં મતદાન કર્યું હતું જ્યારે ઇન્ડિયન નેશનલ લોકદળ, જનતાદળ (યુ) અને સીપીએમે ખરડાનો વિરોધ કર્યો હતો. તે ઉપરાંત ડીએમકેના સાંસદોએ કાયદામાં બદલાવને સ્થાને અન્ય વિકલ્પોની વિચારણા કરવા રજૂઆત કરી હતી.

જુવેનાઇલ જસ્ટિસ બિલની મુખ્ય બાબતો

૧ પસાર કરાયેલો સુધારેલો ખરડો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૦૦નું સ્થાન લેશે

૨ જઘન્ય અપરાધોમાં ૧૬-૧૮ વર્ષના સગીરો સામે પુખ્તો તરીકે ખટલો ચલાવી શકાશે

૩ ૧૬-૧૮ની ઉંમરમાં ઓછો ગંભીર ગુનો આચરનાર ૨૧ની ઉંમર બાદ ઝડપાય તો પુખ્ત તરીકે જ કાર્યવાહી

૪ જઘન્ય અપરાધોમાં ૧૬-૧૮ વર્ષના સગીરોને જેલમાં મહત્તમ ૭ વર્ષની સજા

૫ દેશના દરેક જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને બાળ કલ્યાણ સમિતિઓની રચના

૬ જુવેનાઇલ બોર્ડ નક્કી કરશે કે સગીરને પુનર્વસન માટે મોકલવો કે તેની સામે પુખ્ત તરીકે કેસ ચલાવવો

અગાઉના કાયદામાં શું જોગવાઇ હતી

૧ ૧૮ વર્ષથી નાના આરોપી સામે જુવેનાઇલ બોર્ડમાં કેસ ચાલતો હતો

૨ સજા થતાં તેમને મહત્તમ ૩ વર્ષ કરેક્શન હોમમાં રખાતાં હતાં

વિદેશોમાં સગીર ગુનેગારો માટે સજાની જોગવાઈઓ

અમેરિકાઃ બાળ ન્યાયાલય કેટલાંક માપદંડોના આધારે સામાન્ય અદાલતને કેસ સોંપી શકે છે.

કેનેડાઃ ૧૪-૧૭ વર્ષની વયના સગીરો પર વયસ્કોની જેમ જ કેસ ચાલે છે.

ઇંગ્લેન્ડઃ હત્યા જેવા ગુનાઓમાં સામાન્ય અદાલતમાં જ કેસ ચાલે છે.

સ્કોટલેન્ડઃ ૧૬ વર્ષ સુધીના બાળકો સગીર ગણાય છે, એથી વધારે ઉંમર પર સામાન્ય કેસ થાય છે. અપરાધિક જવાબદેહીતા માટે ૧૨ વર્ષની સીમા નક્કી.

ઓસ્ટ્રેલિયાઃ બાળક ૧૨ વર્ષની ઉંમરે સારા-નરસાંનો ભેદ સમજે છે, માટે અહીં ૧૨ વર્ષથી વધુ ઉંમરવાળાને વયસ્કને આપવામાં આવતી સજા આપવામાં આવે છે.

જાપાનઃ ૨૦ વર્ષ સુધીના બાળકોને સગીર માનવામાં આવે છે, ગંભીર ગુનો કરવા બદલ સગીરને પણ કડક સજાની જોગવાઈ છે. ૨૦૧૦માં ૧૯ વર્ષના સગીરને મોતને સજા કરવામાં આવી હતી.

તાઇવાનઃ દક્ષિણ કોરિયા અને ન્યૂ ઝીલેન્ડમાં પણ જાપાન જેવા જ કાયદાઓ અમલમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter