૧૬૨ ધારાસભ્યોના શક્તિપ્રદર્શન સાથે જ ભાજપ સરકારનું કાઉન્ટડાઉન શરૂ

Tuesday 26th November 2019 13:22 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપે ફડણવીસના નેતૃત્વમાં રાતોરાત સરકાર રચી નાંખતા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે ટીકાની ઝડી વરસાવી હતી. તેમણે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખવા ઉપરાંત સોમવારે સાંજે પોતાના ધારાસભ્યોની મીડિયા સમક્ષ પરેડ યોજીને બહુમતીનો દાવો કર્યો હતો. આ ગ્રાન્ડ પરેડમાં શિવસેનાનાં નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપીનાં શરદ પવાર, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, સુપ્રિયા સૂલે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. હોટેલમાં મિની વિધાનસભા જેવો માહોલ સર્જાયો હતો. ફ્લોર ટેસ્ટ પહેલા જ હોટેલમાં ત્રણેય પક્ષનાં ૧૬૨ ધારાસભ્યોની અભૂતપૂર્વ હાજરી જોવા મળી હતી. આ સાથે જ ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો હતો. અને ભાજપ સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હતું.
આખા કાર્યક્રમનો મોરચો એનસીપી નેતા અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સૂલેએ સંભાળ્યો હતો. તેઓ વ્યક્તિગત રીતે તમામ પક્ષનાં નેતાઓને મળ્યા હતા અને પરેડ અંગે તેમજ ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી. ભાજપની સરકાર બનાવવા જેમ શરદ પવારના ભત્રીજા અજિત પવારે આગેવાની લીધી હતી, તેમ અજિત પવારના પગ નીચેથી જાજમ ખેંચી લેવા સુપ્રિયા સૂલે સક્રિય બન્યા હતા.
ધારાસભ્યોના શપથ પછી એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે અમે દુનિયા સામે ભાજપને બેનકાબ કર્યો છે. સંખ્યાબળ ન હોવા છતાં ભાજપે ખોટી રીતે સરકાર બનાવી છે. જો ભાજપ તોડફોડ કરશે તો પવાર સાહેબનાં ઈશારે આખા ભાજપને ખાલી કરી દઈશું.

હવે બતાવશું કે શિવસેના શું ચીજ છે: ઉદ્ધવ ઠાકરેની ગર્જના

હોટેલમાં તમામ ૧૬૨ ધારાસભ્યોને હાજર રહેલા જોઈને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગર્જના કરી હતી કે હવે અમે બતાવીશું કે શિવસેના શું ચીજ છે. અમે છેલ્લા ૨૫-૩૦ વર્ષથી ભાજપની સાથે હતા ત્યારે તેઓ અમને સમજી ન શક્યા. હવે અમે શિવસેના શું છે તે દર્શાવીશું. અમે ફક્ત પાંચ વર્ષ સરકાર બનાવવા માટે નહીં પણ ૩૦ વર્ષ સુધી સાથે રહેવા એક થયા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter