અયોધ્યા કેસની સુનાવણી ૨૦૧૯ સુધી મુલત્વી રાખોઃ સિબ્બલ

Wednesday 06th December 2017 09:29 EST
 
 

લખનઉઃ અયોધ્યા વિવાદ ફરી ચર્ચામાં છે. રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી હાથ ધરવાની હતી. કેસને લઈને કોર્ટે 3 જજની બેચ પણ જાહેર કરી દીધી હતી. જોકે સુન્ની વકફ બોર્ડે વકીલ કપિલ સિબ્બલ મારફત કેસની સુનવણીને જૂલાઈ ૨૦૧૯ સુધી સ્થગિત કરવાની માંગ કરતા સુનાવણી ટાળી દેવાઇ હતી.
આ મુદ્દે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ભીંસમાં લીધી છે. તેમણે સુનાવણી અટકાવવા પાછળ કોંગ્રેસ હોવાનું જણાવ્યું હતું. તેમણે પત્રકાર પરિષદ યોજીને માગણી કરી હતી કે કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.
અમિત શાહે શું કહ્યું?
દેશની સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યા રામમંદિરની સુનવણી શરૂ થઈ હતી. શાહે કહ્યું હતું કે દેશના લોકો પણ ઈચ્છે કે કેસની સુનવણી જલદી પૂર્ણ થાય. સર્વોચ્ચ ન્યાયાલયનો ફેંસલો રામ જન્મભૂમિ માટે જેટલો થઈ શકે એટલો ઝડપી થાય. દેશ અને દુનિયા સામે ફેંસલો આવે. જોકે સર્વોચ્ચ અદાલત સામે એક દલીલ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અને ઓલ ઈન્ડિયા સુન્ની વકફ બોર્ડના વકીલે રાખી હતી. તેમણે કહ્યું જુલાઈ ૨૦૧૯ સુધી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કેસની સુનવણી ટાળી દેવી જોઈએ.
શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અલગ વાતમાં આગળ વધવા માંગે છે ત્યારે કપિલ સિબ્બલને આગળ કરે છે. કોમનવેલ્થમાં પણ ઝીરો લોસ પર તેઓ આગળ આવ્યા હતા. ગુજરાતમાં અનામતનો મામલો આવ્યો ત્યારે ઓપિનિયન આપવા માટે આવ્યા હતા. રામજન્મભૂમિના રસ્તામાં રોડા નાખવા માટે પણ તેઓ સુન્ની વકફ બોર્ડ તરફથી આવ્યા છે.
અમિત શાહે કહ્યું હતું કે હું માંગણી કરું છું કે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. કોંગ્રેસ પાર્ટી રામજન્મભૂમિ કેસની સુનવણી જલદી થાય તેની સાથે સહમત છે કે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter