લખનઉઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એક નિવેદનમાં પાંચમી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૧૫ દિવસના પિતૃ પક્ષ પછી એટલે કે ૧૭ સપ્ટેમ્બર પછી મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરાશે. ચંપત રાયે જણાવ્યું હતું કે, એક અગ્રણી બાંધકામ કંપની ભવ્ય મંદિરનો શિલાયન્સ કરશે. રામ જન્મભૂમિ કેમ્પસમાં ૧૨૮૭૯ ચો.મી.ના વિસ્તારમાં મંદિરનું નિર્માણ થશે. કંપની કોઇ પણ ફી વગર આ મંદિરનું બાંધકામ કરશે. મંદિરનો પાયો તૈયાર કરવા માટે ૧૦૦ ફૂટ જમીનની નીચે ૧૨૦૦ પિલ્લર બનશે. આ પિલ્લર પથ્થરના બનેલા હશે અને તેમાં સ્ટીલનો ઉપયોગ કરાશે નહીં. આ પિલ્લરની ઉપર વધુ એક પાયો બનાવાશે.
ચંપત રાયે કહ્યું કે, બાંધકામ કંપનીએ મુંબઇમાંથી મશીનો મંગાવી લીધાં છે અને હવે તે હૈદરાબાદમાંથી મશીનો મંગાવવાની તૈયારીમાં છે. શરૂઆતના તબક્કામાં મંદિરનો પાયો તૈયાર કરવામાં ૧૦૦ મજૂરોની મદદ લેવાશે. જોકે વર્તમાન મહામારીને ધ્યાનમાં રાખીને મજૂરોનો ટેસ્ટ કર્યા પછી જ તેમની આ કાર્ય માટે પસંદગી થશે. આ ઉપરાંત તેમનું દરરોજ થર્મલ સ્ક્રીનિંગ પણ થશે.