નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવ્યાપી ગરીબી દૂર કરવાનું વચન આપીને કહ્યું છે કે, દેશનાં ગરીબોને દર મહિને રૂ. ૧૨૦૦૦ લઘુતમ આવક અપાશે. તેમણે કહ્યું કે, દેશમાં લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને દર મહિને લઘુતમ આવક પેટે રૂ. ૧૨,૦૦૦ આપવામાં આવશે.
રાહુલ ગાંધીએ ન્યૂનતમ આવક યોજના (એનવાયએવાય)ની જાહેરાત કરતાં જણાવ્યું કે, દેશના ૨૦ ટકા ગરીબો એટલે અંદાજે પાંચ કરોડ ગરીબ પરિવારોને એટલે કે ૨૫ કરોડ લોકોને સરકાર મદદ કરશે. સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨,૦૦૦ આપવાની કોંગ્રેસ ગેરંટી આપે છે. દરેક જાતિ અને દરેક ધર્મના ગરીબોને આ યોજનાનો લાભ મળશે. કોંગ્રેસ દેશમાથી ગરીબી નાબૂદ કરી દેશે. અમે ગરીબીને માથે છેલ્લો ફટકો મારી દીધો છે. લઘુત્તમ આવકની આ યોજના તબક્કાવાર રીતે લાગુ પાડવામાં આવશે અને પૈસા ગરીબોના બેંક ખાતામાં સીધા જમા કરાવી દેવાશે. કોંગ્રેસની આ યોજનાને મનરેગા પાર્ટ-૨ તરીકે ઓળખવામાં આવી રહી છે.
ખેડૂતોને આપેલો વાયદો પૂરો
રાહુલે કહ્યું કે પહેલાં, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે દેવામાફીનો વાયદો પૂરો કર્યો છે. હવે ગરીબી નાબૂદીનો પહેલાં પાઈલટ પ્રોજેક્ટ ચાલશે અને પછી તેને દેશભરમાં લાગુ કરાશે. કોંગ્રેસે આ યોજનાની વિસ્તૃત રૂપરેખાની સમીક્ષા કરી છે અને નામાંકિત અર્થશાસ્ત્રીઓ તથા નિષ્ણાતોની સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ ગરીબો માટે ન્યૂનતમ આવક યોજનાની જાહેરાત કરાઈ છે.


