અમદાવાદઃ વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી બાદ ૨૦૧૪માં પુનઃ ચૂંટાયેલા ૧૫૩ સાંસદની અસ્કયામતોમાં ૭.૮૧ કરોડનો વધારો થયો છે. ટકાવારીની રીતે જોઈએ તો ૧૪૨ ટકા વધારો થયો છે. આ ૧૫૩ સાંસદની ૨૦૦૯માં સરેરાશ અસ્કયામત ૫.૫૦ કરોડ હતી. તેની સામે ૨૦૧૪માં આ આંકડો ૧૩.૩૨ કરોડે પહોંચ્યો છે. પક્ષવાર સ્થિતિ તપાસવામાં આવે તો સૌથી વધુ ભાજપના ૭૨ સાંસદ છે. બીજા સ્થાને કોંગ્રેસના ૨૮ સાંસદનો સમાવેશ થાય છે. શત્રુઘ્ન સિંહા તથા સુપ્રિયા સુલેની સંપત્તિ સૌથી ઝડપથી વધી છે.
માહિતી અધિકાર - ગુજરાત પહેલના એક્ઝિક્યુટિવ સેક્રેટરી પંક્તિ જોગે જણાવ્યું કે, ૨૦૦૯ બાદ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ફરી વાર ચૂંટાયેલા ૧૫૩ સાંસદે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલાં સોગંદનામામાં અકસ્યામતોની દર્શાવેલી વિગતોનો નેશનલ ઇલેકશન વોચ તથા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા તુલનાત્મક અભ્યાસ કરતાં ઉક્ત હકીકત પ્રકાશમાં આવી છે.
ટોપ-૧૦માં કયા પક્ષના કયા સાંસદો?
શત્રુઘ્ન સિંહા (ભાજપ), પિન્કી મિશ્રા (ભાજપ), સુપ્રિયો સુલે (એનસીપી), સી. આર. પાટીલ (ભાજપ), ઉદયનરાજે પી. ભોંસલે (એનસીપી), એચ. કે. બાદલ (અકાલી દળ), રયાપતિ રાવ (ટીડીપી), પી. સી. મોહન (ભાજપ), ડી. કે. સુરેશ (કોંગ્રેસ), વરુણ ગાંધી (ભાજપ)