નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને ચૂંટણીની તારીખો આગામી દિવસોમાં ગમેત્યારે જાહેર થઇ શકે છે. રાજકીય પક્ષો તૈયારીને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત છે ત્યારે ચોમેર એક જ પ્રશ્ન છે કે ૨૦૧૯માં કોની બનશે સરકાર? આ દરમિયાન આજ તક અને કાર્વી ઇન્સાઇટે સર્વેક્ષણ કરીને દેશનો મિજાજ જાણવા પ્રયાસ કરતાં તેના રસપ્રદ તારણ જાણવા મળ્યા છે.
સર્વેક્ષણના તારણ અનુસાર ૨૦૧૪ના મુકાબલે ૨૦૧૯માં મત ટકાવારીમાં મોટો તફાવત સામે આવશે. ૨૦૧૪માં એનડીએને ૩૮ ટકા અને યુપીએને માત્ર ૨૩ ટકા મત મળતાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા. આ મહિને થયેલા સર્વેક્ષણ મુજબ વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએને ૩૫ ટકા અને યુપીએને ૩૩ ટકા મત મળે તેવા અનુમાન છે. બાકીના પક્ષોને ૩૨ ટકા મત મળી શકે છે.
જો મત ટકાવારીના આ અંદાજ સાચા પડે તો ૧૦મી લોકસભા ત્રિશંકુ રચાશે. એનડીએની ૯૯ બેઠક ઘટી શકે છે, તો યુપીએની બેઠકોમાં ૧૦૬નો વધારો થવાના સંકેત છે. અન્ય પક્ષો ૨૦૧૪માં ૧૫૩ બેઠકો પર જીતી હતી તે વર્ષ ૨૦૧૯માં ૧૪૦ બેઠક જીતે તેવા સંકેત છે.
ઉત્તર ભારતમાં મોદીને ટક્કર
ચૂંટણી પૂર્વેના સર્વેક્ષણના તારણ મુજબ ઉત્તર ભારતના દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એમ પાંચ રાજ્યોમાં કોંગ્રેસના મુકાબલે ભાજપને અન્ય પક્ષોનો મોટો મુકાબલો કરવો પડશે. ઉત્તર ભારતમાં એનડીએને ૪૦ ટકા મત, યુપીએને ૨૩ ટકા તો અન્ય પક્ષોને ૩૭ ટકા મત મળવાની સંભાવના છે. એનડીએને ઉત્તર ભારતમાં કોંગ્રેસ નહીં પણ અન્ય પક્ષો ટક્કર આપશે. આ રાજ્યોમાં એનડીએને ૬૬ તો અન્ય પક્ષોને ૬૫ બેઠક મળવાની સંભાવના છે. યુપીએને માત્ર ૨૦ બેઠક મળવાના સંકેત છે.
પશ્ચિમમાં એનડીએ નુકસાન
સર્વેક્ષણના અંદાજો મુજબ પશ્ચિમ ભારતમાં એનડીએને નુકસાન થવાના સંકેત છે તેમ છતાં એનડીએ સરસાઈમાં જ રહેશે. તેમાં ગુજરાત. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં એનડીએને ૪૬ ટકા તો યુપીએને ૪૨ ટકા મત મળવાના સંકેત છે. અન્ય પક્ષોને માત્ર ૧૨ ટકા મત મળી શકે છે.
દક્ષિણમાં યુપીએનો ડંકો વાગશે
સર્વેક્ષણના તારણોમાં જણાવ્યા મુજબ દક્ષિણ ભારત અર્થાત્ કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને તેલંગણામાં એનડીએને માત્ર ૧૮ ટકા, યુપીએને ૪૩ ટકા અને અન્ય પક્ષોને ૩૯ ટકા મત મળવાની સંભાવના છે. આ ચૂંટણીમાં પણ દક્ષિણ ભારતમાં કમળ મુરઝાયેલું રહેવાના અને યુપીએનો ડંકો વાગવાના સંકેત છે.