અયોધ્યાઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્યગોપાલદાસે જણાવ્યું કે, એક વાર લેઆઉટ ફાઇનલ થયા બાદ નિર્માણ આગળ વધારાશે. રામ મંદિરનાં નિર્માણ અંગે ટ્રસ્ટનું અનુમાન છે કે ૨૦૨૨ની રામનવમી સુધીમાં મંદિર સંપૂર્ણતઃ તૈયાર થઈ શકશે. બીજી તરફ ટ્રસ્ટી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીના જણાવ્યા અનુસાર તેઓ ઇચ્છે છે કે વિહિપનાં જ મોડલને મંદિર માટે અપનાવવામાં આવે. મંદિરનાં સ્ટ્રક્ચર માટે પથ્થરો પણ તૈયાર છે. વાસુદેવાનંદ જણાવે છે કે મંદિર શાનદાર હોવું જોઈએ અને વિશ્વનું સૌથી મોટું મંદિર પણ હોવું જોઈએ. બીજી તરફ, સરકારી સૂત્રોના મતે મંદિરનો પ્લાન હજી પાસ થયો નથી તેથી મંદિર કેવું બનશે અને ક્યારે બનશે તે અત્યારથી કહી શકાય નહીં.
પાંચ પ્રવેશ દ્વાર, અષ્ટકોણીય આકાર
વિહિપે ઘણાં વર્ષો સુધી મંદિરનિર્માણ માટે વિવિધ નકશાઓ પર વિચાર કર્યો અને ત્યારબાદ એક નકશો તૈયાર કર્યો હતો. જે નકશાને રામ મંદિરનું મૂળ સ્વરૂપ ગણવામાં આવી રહ્યું છે. જે નકશા મુજબ મંદિર ૧૨૮ ફૂટ ઊંચું, ૧૪૦ ફૂટ પહોળુ અને ૨૬૮.૫ ફૂટ લાંબું હોઈ શકે તેમ છે. આ મંદિરમાં ૨૧૨ સ્તંભો હશે.
લોખંડનો ઉપયોગ નહીં
મંદિરની છત પર એક શિખર હશે, જેને મંદિરની ભવ્યતાને ધ્યાનમાં રાખીને બનાવાશે. મંદિરમાં પાંચ પ્રવેશદ્વાર (સિંહદ્વાર, નૃત્યમંડપ, રંગ મંડપ, પૂજા કક્ષ અને ગર્ભ ગૃહ) હશે. રામલલાની મૂર્તિ નીચેના માળ પર જ વિરાજમાન કરાશે. ખાસ બાબત એ છે કે મંદિરમાં કોઈ પણ પ્રકારનાં લોખંડનો ઉપયોગ કરાશે નહીં. આ સંપૂર્ણ મંદિરનાં નિર્માણમાં આશરે ૧.૭૫ લાખ ઘન ફૂટ પથ્થરની આવશ્યકતા પડી શકે છે.
‘બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે’
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ભારપૂર્વક કહ્યું કે, જે મસ્જિદ છે તે હંમેશા મસ્જિદ રહેશે, ભલે તેની સાથે કંઇ પણ થાય. બોર્ડનું માનવું છે કે શરિયત અનુસાર, જ્યાં એક વખત મસ્જિદ હોય છે, તે અનંતકાળ સુધી મસ્જિદ જ રહે છે, તેથી બાબરી મસ્જિદ કાલે એક મસ્જિદ હતી, આજે પણ છે અને ઇશ્વરની ઇચ્છા હશે તો મસ્જિદ જ બની રહેશે. મસ્જિદમાં મૂર્તિ મૂકીને, ત્યાં પૂજા કરવી અને લાંબા સમયથી ચાલતી નમાઝ બંધ કરાવવાથી મસ્જિદ હોવાને બદલી શકે નહીં. મહાસચિવ રહમાનીએ નિવેદનમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આપણા દેશમાં ન્યાયનું સર્વોચ્ચ સ્થાન છે, અમારી પાસે નિર્ણયનો સ્વીકાર કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.


