૨૩મીથી હિંદુ ચાતુર્માસનો પ્રારંભઃ લગ્નાદિ સહિતના શુભ કાર્યો અટકશે

Monday 16th July 2018 07:29 EDT
 
 

અમદાવાદઃ હિન્દુ સમુદાયમાં શાસ્ત્રો અને વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે દર વર્ષે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધીના ચાર મહિના હિન્દુ ચાતુર્માસ મનાવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ૨૩ જુલાઇથી હિન્દુ ચાતુર્માસનો આરંભ થશે. ગયા રવિવાર - ૧૫મીએ લગ્નનું છેલ્લું મૂહુર્ત હતું. હવે પાંચ મહિના સુધી લગ્નની શહેનાઇઓ ગૂંજશે નહીં. ૧૯ નવેમ્બરે દેવઉઠી એકાદશી છે, પરંતુ ગુરુ અસ્ત હોવાથી લગ્ન મૂહર્ત માટે આશરે એક મહિનો વધુ રાહ જોવી પડશે.

તારીખ-તિથી પર નજર કરીએ તો, ૨૩ જુલાઇએ અષાઢ સુદ એકાદશીથી ૧૯ નવેમ્બરના કારતક સુદ એકાદશી સુધી હિન્દુ ચાતુર્માસ રહેશે. તે પૂર્વે ૧૫ જુલાઇએ આ વર્ષનું છેલ્લું લગ્ન મૂહર્ત હતું. જ્યારે તિથિ પ્રમાણે ૧૯ નવેમ્બરે દેવઉઠી એકાદશી ભલે હોય, પરંતુ ગુરુનો અસ્ત હોવાને કારણે લગ્ન મૂહર્ત રહેશે નહીં. દેવઉઠી એકાદશીના ૨૫ દિવસ પછી ૧૨ ડિસેમ્બરના બુધવારે પહેલું મૂહર્ત રહેશે. નોંધનીય છે કે, હિન્દુ ચાતુર્માસની ઉજવણી સાથે જ આ ચાર મહિનામાં અલુણા, ગુરુપૂર્ણિમા, સાકરિયો સોમવાર, મધુશ્રવા વ્રત, ઋષિપાંચમ, ચંપા છઠ, મહાલક્ષ્મી વ્રત, વામન જયંતી, કથીલા છઠ્ઠ, નવરાત્રિ, કોજાગરી પૂનમ, પંચરાત્રિ દિવાળીનું વ્રત જેવા વિવિધ પર્વ-તહેવાર આવે છે.
ચાતુર્માસને વ્રતોના મહિના તરીકે ઓળખવામાં આવે છે. આ ચાર મહિના ચોમાસાના છે અને તે સમયમાં આપણી પાચનશક્તિ કમજોર પડી જાય છે. ભોજન અને પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધી જાય છે. આ સ્થિતિમાં ચાતુર્માસમાં ફળનું સેવન અને દૂધ ઉત્તમ ગણાય છે. દરમિયાન ખૂબ તળેલું, મસાલાવાળું ભોજન, માંસાહાર, રીંગણ, મૂળા જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter