નવી દિલ્હીઃ ભારતીયોના આહારની પસંદ-નાપસંદ અંગે તાજેતરમાં થયેલા અભ્યાસના તારણ અનુસાર ૬૦ ટકા લોકો ભોજનમાં શાકાહાર પસંદ કરે છે અને નોનવેજ છોડવા માગે છે. ગ્લોબલ રિસર્ચ કંપની ઇપ્સોસના અહેવાલ ‘ફૂડ હેબિટ્સ ઓફ ઈન્ડિયન્સ’ના મતે દેશમાં ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોની સંખ્યા વધવા સાથે આહારની પસંદગી બદલાઇ રહી છે. માંસાહારની સરખામણીએ શાકાહારીની સંખ્યા વધી રહી છે.
૨૯ દેશોમાં બે મહિના ચાલેલા સર્વેમાં એક હજાર લોકો સામેલ કરાયા હતા. રિપોર્ટ પ્રમાણે, ૫૭ ટકા ભારતીયો ખાવાપીવામાં ઓર્ગેનિક ફૂડ સામેલ કરી રહ્યા છે. જ્યારે બ્રિટનમાં ૧૨ ટકા અને જાપાનમાં ૧૩ ટકા લોકો ઓર્ગેનિક ફૂડ ખાવા ઇચ્છે છે.
ડાયેટિંગમાં વિશ્વાસ નથી !
સર્વે અનુસાર ભારતીયોને ડાયેટિંગમાં ખાસ વિશ્વાસ નથી. વજન ઓછું કરવું કે મનપસંદ ભોજન જતું કરવું તેમાંથી એકને પસંદ કરવાની વાત આવે તો ૭૭ ટકા ભારતીયો ભોજન પર પસંદગી ઉતારે છે. ખાસ તો મધ્યમ વર્ગીય ભારતીય ડાયેટિંગને બિનજરૂરી માને છે.


