૬૭ વર્ષના વિરોધ પછી દેશમાં એક રાજ્ય, બે પ્રધાનના બંધારણનો અંત

Thursday 08th August 2019 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને હટાવવાની ઘોષણા કરી એના પછી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને વરિષ્ઠ નેતા રામ માધવે ભારતીય જનસંઘના સ્થાપક અને ચિંતક ડો. શ્યામાપ્રસાદ મુખરજીને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે
ડો. શ્યામાપ્રસાદ મુખરજીની ઇચ્છાઓનું સન્માન થયું છે. આજે ગૌરવશાળી દિવસ છે. ઇતિહાસની ભૂલને સુધારી લેવામાં આવી છે. આખરે શ્યામાપ્રસાદ મુખરજી સહિત હજારો શહીદોની જમ્મુ અને કાશ્મીરના ભારતમાં પૂર્ણ વિલયની ઇચ્છાનું સન્માન થયું છે.
શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ અને કાશ્મીરને ભારતનું પૂર્ણ રાજ્ય અને અભિન્ન અંગ બનાવવા માગતા હતા. એ સમયે જમ્મુ અને કાશ્મીરનો ઝંડો અલગ હતો. ત્યાંના મુખ્ય પ્રધાનને વઝીરે આઝમ ઉર્ફે વડા પ્રધાન કહેવામાં આવતા હતા. તેમણે જમ્મુમાં ૧૯૫૨માં વિશાળ રેલી કરીને સંકલ્પ વ્યક્ત કર્યો કે, ‘હું તમને ભારતનું બંધારણ અપાવીશ અથવા આ ઉદ્દેશની પૂર્તિ માટે બલિદાન આપીશ.’ તેમણે વિરોધ પ્રદર્શન વખતે નારો આપ્યો હતો કે ‘એક દેશમેં દો વિધાન, એક દેશમેં દો નિશાન, એક દેશમેં દો પ્રધાન નહીં ચલેંગે. નહીં ચલેંગેં.’

૩૭૦માં જ તેને હટાવવાનો વિકલ્પ હતો

કલમ ૩૭૦ અસ્થાયી રીતે જોડાઈ હતી. આથી તેની ત્રીજી જોગવાઈમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિ જમ્મુ-કાશ્મીરની બંધારણ સભાના પરામર્શ દ્વારા આ જોગવાઈ ગમે ત્યારે ખતમ કરી શકે છે. આ માટે આ કલમની હાલની ૩માંથી બે જોગવાઈ સરકારે હટાવી દીધી છે.

૧૯૫૪માં જમીન ખરીદવા પર પ્રતિબંધ લદાયેલો

૧૪ મે ૧૯૫૪ના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના આદેશ અનુસાર કલમ ૩૭૦ના હિસ્સા તરીકે અનુચ્છેદ ૩૫-એ અસ્તિત્વમાં આવી. બીજા રાજ્યોના નાગરિકો જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકે નહીં તે જોગવાઈ અમલી બની. બહારના રાજ્યના યુવક સાથે લગ્ન કરવાથી છોકરીનો હક ખતમ થતો હતો.

૧૯૯૦માં ૩૫-એનો વિરોધ શરૂ થયો

૧૯૯૦ પહેલા જમ્મુ-કાશ્મીરમાં હાલત સામાન્ય હતી, પરંતુ ત્યાર બાદ કાશ્મીર ખીણમાં હિન્દુઓની કત્લેઆમ શરૂ થઈ. આતંકી ઘટના વધી. કટ્ટરપંથીઓની સંખ્યા વધી. ૩૭૦ અને ૩૫-એને કારણે રાજ્યમાં કેન્દ્ર તરફથી એક મર્યાદા સુધી હસ્તક્ષેપ થઈ શકતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter