નવી દિલ્હીઃ દેશના ૬૮મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ઉજવણીની તૈયારીઓ દિલ્હીમાં જોરશોરથી ચાલી રહી છે ત્યારે ૨૩મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ બાળાઓ અને ૧૩ કુમારોને રાષ્ટ્રીય વીરતા એવોર્ડ – ૨૦૧૬ પ્રદાન કર્યા હતા. જેમાંથી ચાર એવોર્ડ મરણોપરાંત અપાયા હતા. અરુણાચલ પ્રદેશની ૮ વર્ષની સ્વ. તાર્હ પીજુને તેના મિત્રને ડૂબતો બચાવવા માટે પોતાની જાતનું બલિદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ભારત એવોર્ડ મોદી દ્વારા અર્પણ કરાયો હતો. મોદીએ ૨૫ બાળકોને વીરતા એવોર્ડ પ્રદાન કર્યા બાદ બાળકોને પ્રેરિત કરતા સંબોધનમાં વિદ્યાર્થીઓને સફળ બનવા અને શિક્ષિત જીવન માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનની શરૂઆત નાનાં ભૂલકાંઓને તેમની કેટલીક ખાસિયતો દ્વારા જ ઉત્સાહિત કરવાથી કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, તમે બધાએ અત્યાર સુધી જે કર્યું છે તે માત્ર તમારી વીરતાને જ પ્રદર્શિત કરતું નથી, પરંતુ તે તમારી પ્રતિબદ્ધતાને પણ વ્યક્ત કરે છે અને તેનાથી જ કોઈકનાં જીવન સુરક્ષિત બન્યા છે. જ્યાં સુધી તમે કંઈક પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી લોકો તમારી બહુ ફિકર કરતા નથી અને એ કંઈકનો અર્થ માત્ર તમારી શારીરિક બહાદુરી જ નથી, પણ એક ચોક્કસ ધ્યેય સાથે જીવન જીવવું એ છે. આ પ્રસંગે મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમના જન્મ દિવસ નિમિત્તે યાદ કર્યા હતા.
એક તરફ બાળકોને વીરતા એવોર્ડ પ્રદાન કરાયા હતા તો બીજી તરફ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે થનારા ભવ્ય કાર્યક્રમોનું રિહર્સલ પણ ચાલી રહ્યું છે. પ્રજાસત્તાક દિને પરેડ અને સલામી ઉપરાંત વિવિધ પ્રાંતના ટેબ્લો હંમેશાં આકર્ષણ જમાવે છે.
કચ્છી કલાનો ટેબ્લો
૨૬ જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડ માટે સોમવારે ગુજરાતના ટેબ્લો સહિત ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. આ પરેડમાં ૧૯૯૧ બાદ પહેલીવાર કચ્છની સંસ્કૃતિની ઝલક રજૂ કરાશે. આ ટેબ્લો નાયબ માહિતી નિયામક અને વડા પ્રધાન મોદીના ભાઈ પંકજ મોદી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયો છે. આ ટેબ્લોમાં કચ્છના પરંપરાગત નિવાસસ્થાન ‘ભૂંગો’ને દર્શાવાશે.
૨૩ ટેબ્લો
આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં દિલ્હીનાં રાજપથ પર વિવિધ ૨૩ ટેબ્લો જોવા મળશે જેમાં ૧૭ રાજ્યો તરફથી અને ૬ ટેબ્લો કેન્દ્રીય મંત્રાલયોનાં રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લક્ષદ્વિપને ૨૩ વર્ષ પછી સામેલ કરવામાં આવશે.
જમ્મુ-કશ્મીરમાં ગયા વર્ષે આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી હિંસા અને પ્રદર્શનને કારણે ત્યાં મુસાફરોની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. હવે અહીં શિયાળો શરૂ થશે ત્યારે અહીંના ટેબ્લો તરફ લોકોને આકર્ષિત કરવા ગુલમર્ગની બર્ફીલી ઘાટીઓ અને સિંગર ઈશફાક અહમદ પણ ગાતો દર્શાવાશે. મહારાષ્ટ્ર આ વખતે લોકમાન્ય તિલકની ૧૬૦મી જન્મજયંતી ઊજવી રહ્યું છે ત્યારે ટેબ્લોમાં તિલકની જીવનકથાઓને સામેલ કરશે જેમાં કેસરી અખબાર, ગણેશોત્સવ અને માંડલા જેલ પણ હશે. ઓરિસ્સાના ટેબ્લોમાં ડોલ જાત્રા અને પ. બંગાળના ટેબ્લોમાં શરદોત્સવ અને કામાખ્યા મંદિરને પ્રદર્શિત કરાશે. ઉપરાંત અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, ત્રિપુરા અને તામિલનાડુના ટેબ્લોમાં પરંપરાગત નૃત્યશૈલીની ઝલક હશે. રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશને આ વખતે પરેડમાં સામેલ કરાશે નહિ. આ ઉપરાંત નેશનલ હાઉસિંગ બોર્ડને પ્રથમ વખત ટેબ્લોમાં સામેલ કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં લક્ષદ્વિપને ૨૩ વર્ષ પછી ટેબ્લોમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે જેમાં ૩૬ ટાપુઓ અને વણખેડાયેલા પ્રવાસી સ્થળોને દર્શાવાશે.