દહેરાદૂનઃ તમામ વિક્રમો તોડીને ૭ લાખથી વધુ યાત્રાળુઓએ આ વર્ષની ચારધામ યાત્રાના પ્રથમ ૪૫ દિવસમાં ઉત્તરાખંડના કેદારનાથનાં દર્શન કર્યાં હતાં. ૨૦૧૩માં હજારોનો ભોગ લેનારી કુદરતી આપત્તિનું સાક્ષી બનનારા ઐતિહાસિક યાત્રાધામમાં અત્યાર સુધીમાં સૌથી વધુ યાત્રાળુઓએ દર્શન કર્યાં હતાં.
૨૦૧૮માં છ મહિના લાંબી ચાલતી આ યાત્રામાં ૭.૯૨ લાખ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે આ વર્ષે એ આંકડો ફક્ત ૪૫ દિવસમાં જ ૭.૩૫ લાખને આંબી ગયો છે. અહેવાલો મુજબ આ વર્ષે કેટલાક દિવસો એવા પણ હતાં કે જ્યારે ૩૬ હજારથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા અને એવું પણ પહેલી વખત જ નોંધાયું છે.