૭૧ વર્ષે ભારત પાસેથી શહીદોના અસ્થિ મેળવતું અમેરિકા

Thursday 14th April 2016 07:18 EDT
 
દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયેલા યુએસ એરફોર્સના બી-૨૪ બોમ્બર વિમાન અને સૈનિકોના અવશેષોને ૧૩ એપ્રિલે અમેરિકાને સોંપવામાં આવ્યા હતા.
 

નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ૭૧ વર્ષ જૂની માગણી સંતોષી છે. ભારતે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન હિમાલયન પર્વતમાળામાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા યુએસ આર્મીના જવાનોના અવશેષો અમેરિકાને પરત કર્યા છે. ૧૩ એપ્રિલે નવી દિલ્હી એરપોર્ટ પર યોજાયેલા કાર્યક્રમમાં અમેરિકી જવાનોએ પોતાના દેશના જવાનોને અંજલિ આપ્યા બાદ આ અવશેષોને અમેરિકા રવાના કરાયા હતા. આ પ્રસંગે હાલ ભારત પ્રવાસે આવેલા અમેરિકી સંરક્ષણ પ્રધાન એશ્ટન કાર્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકી યુદ્ધવિમાન બી-૨૪ ભારતથી ચીન તરફ સૈન્યપુરવઠો લઈને જઇ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા આઠેય વ્યક્તિના મૃત્યુ થયા હતા.
આ ઘટનાની તે સમયે જ તપાસ હાથ ધરાઇ હતી. જે દરમિયાન અરુણાચલ પ્રદેશમાંથી વિમાનનો કાટમાળ અને અમેરિકી સૈનિકનાં મનાતાં અસ્થિ મળી આવ્યાં હતાં. અમેરિકા વારંવાર આ અવશેષોની માગણી કરતું હતું, જોકે તત્કાલીન ભારત સરકાર સમક્ષ ચીને વાંધો ઉઠાવતાં અસ્થિની સોંપણી માટે ઇનકાર કર્યો હતો. ચીનનો દાવો હતો કે અરુણાચલ તે તેની માલિકીનો પ્રદેશ છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની વિનંતીનો સ્વીકાર કરીને અસ્થિને અમેરિકા લઇ જવાની મંજૂરી આપી હતી. તે સમયે ૩૫૦ જેટલાં અમેરિકી સૈનિકો ભારતમાં લાપતા થયાં હોવાનું વર્ગીકૃત થયેલું છે.
જાન્યુઆરી ૧૯૪૪માં બી-૨૪ વિમાન ચીનથી ભારતમાં પુરવઠો પહોંચાડવાની કામગીરી માટે જોતરાયેલું હતું અને તે લાપતા થયું હતું. અમેરિકી તપાકર્તાઓને જોકે પોતાના સૈનિકોને ઓળખી શકે તેવી એક પણ ચીજવસ્તુ સ્થાન પરથી નહોતી મળી આવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter