નવી દિલ્હીઃ દેશના ૭૨મા પ્રજાસત્તાક પર્વે રાજપથ પર રંગારંગ પરેડ યોજાઇ હતી. કોરોનાના ઓછાયા તળે યોજાયેલી આ પરેડમાં ભારતીય સુરક્ષા દળોના શસ્ત્ર-સરંજામથી તેની સજ્જતા-કૌશલ્ય પ્રદર્શિત થયા હતા. સાથે સાથે જ દેશના વિવિધ રાજ્યો - પ્રદેશોની કળા-સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક પણ રજૂ થઇ હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવીને ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પ્રધાનમંડળના સભ્યો, વિવિધ પક્ષના ટોચના નેતાઓ ઉપરાંત વિવિધ રાષ્ટ્રોના દૂતાવાસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષની પરેડ દરમિયાન બે બાબત નોંધનીય રહી હતી. એક તો બાંગ્લાદેશની ટુકડીએ પ્રથમ વખત ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો હતો. બીજી બાબત એ હતી કે ભારતીય વાયુસેનાના રાફેલ ફાઈટર જેટે પણ પ્રથમ વખત પરેડમાં ભાગ લીધો. જોકે કોરોનાના કારણે આ વખતે પરેડની પદ્ધતિ બદલાઈ ગઈ હતી. ૫૫ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા. આ પહેલા ભારતમાં ૧૯૫૨, ૧૯૫૩ અને ૧૯૬૬માં પણ ગણતંત્ર દિવસ પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.
વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી
રાજપથ પર પરેડ દરમિયાન વિવિધ રાજ્યોની કળા-સાંસ્કૃતિક વારસો દર્શાવતા ટેબ્લો દર્શાવવામા આવ્યા હતા. જેમાં સૌથી પહેલી ઝાંખી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની બતાવવામાં આવી હતી. આ સિવાય ઉતર પ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામમંદિરની ઝલક પણ બતાવવામાં આવી હતી. ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાના સૂર્યમંદિરની ઝલક રજૂ કરાઇ હતી.
વાયુસેનાનું શક્તિપ્રદર્શન
રાજપથ પર પેરા-મિલિટ્રી અને અન્ય સહાયક દળોએ પરેડ કાઢી હતી. આ દરમિયાન તટરક્ષક દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, દિલ્હી પોલીસ બેન્ડ, ભારત-તિબેટ સીમા પોલીસના બેન્ડ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ પોતાની સજ્જતા-ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
આત્મનિર્ભર ભારતની થીમ
રાજ્યો પછી કેન્દ્રીય મંત્રાલાયોની ઝાંખીનો નંબર હતો. આઈટી મંત્રાલય ઝાંખીમાં રાષ્ટ્રની પ્રગતિ માટે ડિજિટલ ઈન્ડિયા - આત્મનિર્ભર ભારતની થીમ દર્શાવવામાં આવી હતી. ઝાંખીમાં એઆઇ રોબોટનું થ્રી-ડી મોડેલ દર્શાવવામાં આવ્યું હતું. જે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા માર્ગદર્શિત ડિજિટલ ક્રાંતિને દર્શાવે છે.
બાંગ્લાદેશની ટુકડી
૭૨મા ગણતંત્ર દિવસની પરેડનું એક મુખ્ય આકર્ષણ બાંગ્લાદેશની સૈનિક ટુકડી રહી હતી. એનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ શમૂર શાબાને કર્યું હતું. બાંગ્લાદેશની સૈનિક ટુકડીએ પ્રથમ વખત આપણા ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો હતા. આ ટુકડીમાં કુલ ૧૨૨ જવાન સામેલ હતા.
દેશવાસીઓને શુભેચ્છા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ ભારતીય સેનાની ટેન્ક ટી-90ને સેનામાં ભીષ્મના નામથી ઓળખવામાં આવે છે. આ વખતે પરેડનું નેતૃત્વ લેફ્ટિનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા કર્યું હતું.
શહીદોને શ્રદ્ધાંજલિ આપી
ગણતંત્ર દિવસની સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ત્રણે સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. દર વખતે ગણતંત્ર દિવસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
જામનગરના રાજ પરિવારે ભેટ આપેલી પાઘડી
વડા પ્રધાન મોદી પ્રજાસત્તાક પર્વે સૌથી પહેલા ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે સેરેમોનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના જામનગરના રાજવી પરિવાર દ્વારા ગિફટમાં આપવામાં આવેલી પાઘડી પહેરી હતી.


