‘અગ્નિપથ’ઃ ભારતીય સેનાનો યુવા ચહેરો

Thursday 16th June 2022 04:55 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂક સંદર્ભે ક્રાંતિકારી નિર્ણય કરતાં ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારતીય સેનાની ત્રણેય પાંખના વડાઓની ઉપસ્થિતિમાં જાહેર કરેલી યોજના અનુસાર ચાર વર્ષ માટે લગભગ 45 હજાર યુવાનોની ભરતી કરાશે.
રક્ષા પ્રધાને કહ્યું હતું કે અમે ‘અગ્નિપથ’ નામની એક પરિવર્તનકારી યોજના લાવી રહ્યા છીએ, જે આપણા સશસ્ત્ર દળોમાં બદલાવ લાવીને તેમને વધુ આધુનિક બનાવશે. આ યોજના હેઠળ, ભારતીય યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક પૂરી પડાશે. આ યોજના દેશની સુરક્ષાને મજબૂત કરવા અને આપણા યુવાનોને સૈન્યમાં સેવાની તક આપવા માટે લાવવામાં આવી છે. રાજનાથ સિંહે કહ્યું, ‘યુવાનોને એ ફાયદો થશે કે તેમને નવી ટેકનોલોજી અંગે સરળતાથી પ્રશિક્ષિત કરી શકાય છે. તેમનું આરોગ્ય અને ફિટનેસ સ્તર પણ સુધરશે. અગ્નિપથ યોજના હેઠળ, એવો પ્રયાસ કરાઇ રહ્યો છે કે ભારતીય સશસ્ત્ર દળોની પ્રોફાઇલ ભારતની વસતી જેટલી યુવા બની જાય.’

રોજગારની તકો વિસ્તરશે
રક્ષા મંત્રીએ કહ્યું, ‘અગ્નિપથ’ યોજના રોજગારની તકો વધારશે. અગ્નિવીરની સેવા દરમિયાન મેળવેલ કૌશલ્ય અને અનુભવ વિવિધ ક્ષેત્રોમાં રોજગારી તરફ દોરી જશે. અગ્નિવીરો માટે સારું પગાર પેકેજ, ચાર વર્ષની સેવા પછી સર્વિસ ફંડ પેકેજ અને મૃત્યુ અને અપંગતા પેકેજની પણ વ્યવસ્થા કરાઇ છે.

‘અગ્નિપથ’ યોજના છે શું?
'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે. રક્ષા પ્રધાને કહ્યું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે. યોજનામાં જોડાવાની લાયકાત જોઇએ તો,
• ભરતીની ઉંમર 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ • શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ • ચાર વર્ષ માટે ભરતી થશે • ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરાશે • ચાર વર્ષ પછી જે જવાનો નિયમિત થશે તેમને અગ્નિવીર કહેવામાં આવશે • પ્રથમ વર્ષનો પગાર મહિને રૂ. 30 હજાર રહેશે • ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે.

આ પ્રસંગે નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45,000 યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સેનાના અગ્નિવીરોમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે. અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોએ સેનામાં આગળ પોતાનું સ્થાન જાળવવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.
યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે. ‘અગ્નિપથ’ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે. નવા અગ્નિવીરોની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે.

ભારતીય સેના બનશે વિશ્વ કક્ષાની
રક્ષા મંત્રીએ કહ્યું કે અગ્નિપથ યોજના ભારતની સેનાને વિશ્વ કક્ષાની સેના બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારતમાં મોટી સંખ્યામાં લોકોને સૈન્યમાં રોજગાર મળે છે. ભારતીય સેનામાં 14 લાખ લોકોને નોકરી મળી છે. ભારતના યુવાનોમાં સેનામાં જોડાવાની ઇચ્છા ઘણા સમયથી પ્રબળ રહી છે. દર વર્ષે ભારતીય સેનામાંથી 60,000 જવાનો નિવૃત્ત થાય છે. સેના આ ખાલી જગ્યાઓ પર ભરતી માટે 100થી વધુ રાઉન્ડનું આયોજન કરતી હતી.

યોજનાની સફળતા અંગે આશંકા
અગ્નિપથ યોજનામાં ભરતીની પદ્ધતિને 'ટૂર ઓફ ડ્યૂટી' કહેવામાં આવી રહી છે. સિંગાપોરમાં એસ. રાજરત્નમ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનિત મુખરજીએ કહ્યું, ‘જો પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ ટૂંકા ગાળાના સૈનિકોની નિમણૂક કરવામાં આવે તો તેની અસર ક્ષમતા પર પડશે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચના સિનિયર ફેલો સુશાંતસિંહ આ પ્રસ્તાવથી અસ્વસ્થ છે. તેમનું કહેવું છે કે જો યુવાનોને ટૂંકા ગાળા માટે સૈનિકોમાં ભરતી કરવામાં આવે તો તેઓ 24 વર્ષ સુધીમાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારીમાં વધારો જ થશે.
સુશાંત કહે છે, ‘શું તમે મોટી સંખ્યામાં સૈન્ય તાલીમ લીધી છે એવા યુવાનોને બહાર કાઢવા માગો છો? આ યુવાનો ફરી એ જ સમાજમાં આવશે જ્યાં પહેલેથી હિંસાનું પ્રમાણ વધારે છે. શું તમે એવું ઇચ્છો છો કે આ ભૂતપૂર્વ સૈનિકો પોલીસ અને સિક્યોરિટી ગાર્ડ બને? મને ડર એ છે કે હથિયાર ચલાવવાની તાલીમ મેળવી લીધેલા બેરોજગાર યુવાનોની ફૌજ ન તૈયાર થઈ જાય.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter