‘અમારી સરકાર આમ આદમીની, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા થશે’

Tuesday 03rd December 2019 14:52 EST
 
 

મુંબઇઃ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગાદી સંભાળ્યાના ત્રણ જ દિવસમાં મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમારી આમ આદમીની સરકાર છે અને તેથી અમે બુલેટ ટ્રેન યોજનાની સમીક્ષા કરવા માગીએ છીએ. જોકે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે મેં બુલેટ ટ્રેન યોજનાને રોકવા માટે કહ્યું નથી.
મહારાષ્ટ્રમાં આ યોજના માટે ખેડૂતોએ જમીન આપવાનો વિરોધ કર્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર સરકાર ૨૫ ટકા ભંડોળ આપવાની છે અને ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા એ પહેલાં જ અહેવાલ હતા કે મહારાષ્ટ્ર સરકાર ફંડીંગ રોકી શકે એમ છે. ઉદ્ધવ ઠાકરેની સરકાર મહારાષ્ટ્રની આર્થિક હાલત પર શ્વેત પત્ર જારી કરી શકે એમ છે.

૧૬૯ મતે વિશ્વાસ મત જીત્યાઃ ભાજપનો વોકઆઉટ

મહારાષ્ટ્રમાં અપેક્ષા અનુસાર જ ઉદ્ધવ ઠાકરે સરકારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરેનો વિશ્વાસ મત ઠરાવ ગૃહમાં ૧૬૯ વિરુદ્ધ શૂન્ય મતથી પસાર થયો હતો. ૨૮૮ સભ્યો ધરાવતા વિધાનસભા ગૃહના ફ્લોર ટેસ્ટમાં ઠાકરેએ ૧૬૯ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું જ્યારે ચાર ધારાસભ્યો તટસ્થ રહ્યા અને કોઈની તરફેણમાં મત આપ્યો નહોતો. ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. આમ, ઠાકરે સરકારની વિરુદ્ધમાં એક પણ મત પડયો નહોતો. કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે ઠાકરે સરકારનો વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક અને શિવસેનાના નેતા સુનીલ પ્રભુએ તેને સમર્થન આપ્યું હતું.

૨૪ વર્ષ બાદ તે જ સ્થળે શપથ

શિવસેનાના પહેલા મુખ્ય પ્રધાન મનોહર જોશીએ ચોવીસ વર્ષ પહેલાં શપથ લીધા હતા. એ જ સ્થળે ઠાકરે પરિવારના પહેલા વ્યક્તિ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદના સોગંદ લીધા હતા. સમુદ્રકાંઠે શિવાજી પાર્કમાં ઉમટેલા વિરાટ ‘જનસાગર’ને ઠાકરેએ મંચ પરથી નમન કર્યું હતું. ઠાકરે સાથે કેબિનેટ પ્રધાન તરીકે શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એનસીપીમાંથી છગન ભુજબળ, જયંત પાટીલ જ્યારે કોંગ્રેસ તરફથી વિજય ઉર્ફે બાળાસાહેબ થોરાત - નીતિન રાઉતે શપથ લીધા હતા.

એનસીપીમાં રસ્સાખેંચ શરૂ

ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાન પદને લઇને સંબંધો તૂટી ગયા પછી રાજ્યોમાં પહેલી વાર શિવસેના સાથે કોંગ્રેસ અને એનસીપીએ હાથ મેળવી લેતાં ઉદ્વવ ઠાકરેના મુખ્ય પ્રધાન પદે સરકાર રચાઇ ગઇ છે. હવે નાયબ મુખ્ય પ્રધાનપદ એનસીપીના ભાગે આવતાં જ પક્ષમાં અંદરોઅંદર રસ્સીખેંચ શરૂ થઇ ગઇ છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે નાયબ મુખ્ય પ્રધાન પદનો નિર્ણય પક્ષના મોવડીઓ છોડ્યો છે. તેમણે કહ્યું હતું કે ૨૨ ડિસેમ્બરે નાગપુરમાં વિધાનમંડળનું શિયાળું સત્ર પુરું થયા પછી આ અંગે નિર્ણય લેવાશે. વાસ્તવમાં એનસીપીમાં આ પદ માટે ઇચ્છુકોની સંખ્યા વધી જવાના કારણે પક્ષના મોવડીઓ ઉતાવળે નિર્ણય લેવા માગતા નથી એવું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter