નવી દિલ્હી: દેશમાં એનડીએની ત્રીજી વાર સરકાર બની રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ભાજપ વડામથકે પહોંચ્યા હતા. ‘જય જગન્નાથ’ બોલીને સંબોધનનો પ્રારંભ કરતાં તેમણે કહ્યું હતું કે દેશવાસીઓને હું વિશ્વાસ અપાવું છું કે તેમની અપેક્ષાઓ પૂરી કરવા માટે અમે નવી ઊર્જા, નવા ઉમંગ, નવા સંકલ્પો સાથે આગળ વધીશું. ભારત આ કાર્યકાળમાં વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનશે. 1962 પછી પહેલી વાર કોઈ સરકાર બે કાર્યકાળ પૂરા કર્યા પછી સતત ત્રીજી વાર સત્તામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં થોડાં જુદાં દૃશ્યો જોવા મળ્યાં. ઓડિશામાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ ઓડિશાએ અભૂતપૂર્વ દેખાવ કર્યો છે. પહેલી વાર મહાપ્રભુ જગન્નાથની જમીન પર ભાજપના મુખ્યમંત્રી હશે. પેઢીઓથી જે ક્ષણની પ્રતીક્ષા કરી હતી, એણે આજે સફળતાનો સ્પર્શ કર્યો છે.
મોદીના સંબોધનના મુખ્ય અંશો...
• આજે મંગળ દિવસ છે. આ પવિત્ર દિવસે એનડીએની સતત ત્રીજી સરકાર બનશે. એ નિશ્ચિત છે. વિરોધીઓ ભેગા થઈને જેટલી બેઠકો ન જીતી શક્યા, એટલી એકલા ભાજપે જીતી છે.
• વર્ષ 2013-14માં દેશ નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયો હતો. એવા સમયે દેશે અમને નિરાશાના ઊંડા સાગરમાંથી આશાનું મોતી શોધી લાવવાની જવાબદારી સોંપી હતી.
• ભાજપે હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં ક્લીન સ્વિપ કર્યું. તેલંગણમાં બેઠકો બે ગણી થઈ છે. બિહારમાં નીતીશકુમારના નેતૃત્વમાં સુંદર દેખાવ કર્યો છે.


