ભારતીય સંગીતજગતમાં ‘આધુનિક ભારતનાં મીરા’ તરીકે ઓળખાતાં સુપ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામનું નિધન થયું છે. તેઓ ચોથી ફેબ્રુઆરીએ ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાનમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધનના સમાચારથી સર્વત્ર શોકની લહેર છવાઇ ગઇ છે.
77 વર્ષનાં વાણી જયરામ પતિના નિધન બાદ છેલ્લા લાંબા સમયથી એકલાં જ રહેતાં હતાં. તેમના મૃત્યુના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે કેમ કે તેમના માથામાં ઇજાના નિશાન જોવા મળ્યા છે. આ ઇજા પડી જવાથી થઇ છે કે કોઇ અન્ય કારણસર થઇ છે તે તપાસ બાદ જાણવા મળશે.
વાણી જયરામે તાજેતરમાં જ એક વ્યાવસાયિક ગાયિકા તરીકે સંગીત ઉદ્યોગમાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે કારકિર્દીમાં 10,000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. વાણી જયરામે આર.ડી. બર્મન, કે.વી. મહાદેવન્, ઓ.પી. નૈય્યર અને મદન મોહન સહિત અન્ય ઘણા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. સિંગર વાણી જયરામનું નામ આ વખતે પદ્મભૂષણથી સન્માનિત મહાનુભાવોની યાદીમાં હતું.
વાણી જયરામને આધુનિક ભારતનાં મીરા પણ કહેવામાં આવે છે. તેમણે ભારતીય સંગીતને દુનિયામાં નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું હતું.
વાણી જયરામે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી અને ઉડિયામાં ઘણાં ગીતો ગાયાં. તેમને તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કેરળ, ગુજરાત અને ઓડિશામાંથી રાજ્ય પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
તેમણે કારકિર્દીમાં ઘણા સુંદર ગીતોને અવાજ આપ્યો છે. જેમાંથી બોલે રે પપીહરા... અને હમ કો મન કી શક્તિ દેના... તો 50 વર્ષ પછી પણ એટલા જ લોકપ્રિય છે. સંગીતજગતમાં તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે. તેમના નિધનના સમાચારથી સંગીતચાહકોના દિલ તૂટી ગયા છે.
યાદગાર ટોપ-5 ગીત
• બોલે રે પપીહરા... (ગુડ્ડી - 1971)
• હમકો મન કી શક્તિ દેના.. (ગુડ્ડી - 1971)
• કરના ફકીરી ફીર ક્યા... (મીરા - 1979)
• મેરે તો ગિરધર ગોપાલ... (મીરા - 1982)
• ધીરે ધીરે સુબહ હુઈ... (હેસિયત- 1984)