નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણ અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે અને કોંગ્રેસની કારમી હાર થઈ છે. જોકે આ ચૂંટણી માત્ર કોંગ્રેસ અને ભાજપ જ નહીં આમ આદમી પાર્ટી (‘આપ’) પણ લડી હતી. કેજરીવાલ સહિતના ‘આપ’ના નેતાઓએ રોડ શો કર્યો હતો. જોકે પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણીમાં ‘આપ’ કોઇ સફળતા મેળવી શકી નથી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ હિન્દી ભાષી રાજ્યોમાં જનાધાર વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં ‘આપ’એ 70થી વધુ, રાજસ્થાનમાં 88 અને છત્તીસગઢમાં 57 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. કેજરીવાલે દિલ્હી-પંજાબની જેમ આ રાજ્યોમાં પણ મફત વિજળી-પાણી-શિક્ષણના વાયદા કર્યા હતા. જોકે, આ વચનો અને અનેક રોડ શો તેમજ રેલીઓથી ‘આપ’ને કોઈ ખાસ ફાયદો થતો નથી જોવા મળ્યો. આ ત્રણેય રાજ્યોમાં ‘આપ’એ કુલ 200થી વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે આપને ત્રણેય રાજ્યોમાં એક પણ બેઠક મળી નથી.
મોટાભાગની બેઠકો પર ‘આપ’ના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ‘આપ’એ તેલંગણમાં પોતાના ઉમેદવારો ઉભા નહોતા રાખ્યા.