‘આપ’ને ચૂંટણી પંચનો આંચકોઃ ૨૦ ધારાસભ્યો ગેરલાયક

Saturday 20th January 2018 07:17 EST
 
 

નવી દિલ્હીઃ દિલ્હી રાજ્યની શાસનધુરા સંભાળતી કેજરીવાલ સરકારને આંચકો આપે તેવી એક ઘટનામાં કેન્દ્રીય ચૂંટણી પંચે કથિત રીતે ઓફિસ ઓફ પ્રોફિટ (લાભના પદ) ધરાવતાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા ભલામણ કરી છે. રાજકીય ભૂકંપ સર્જતા આ પગલાંથી આ ધારાસભ્યોની દિલ્હી વિધાનસભામાંથી હકાલપટ્ટી થઇ શકે છે. આ અંગેની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી દેવાઇ છે.
‘આપ’એ ચૂંટણી પંચની આ ભલામણને મોદી સરકાર પ્રેરિત પગલું ગણાવ્યું છે તો પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું છે કે બંધારણીય ઓફિસનો આવો દુરુપયોગ કરી શકાય નહીં. જોકે ભાજપ અને કોંગ્રેસે આ ઘટનાક્રમમાં લાભ જોયો છે અને મુખ્ય પ્રધાન પદેથી કેજરીવાલ સરકારનું રાજીનામું માગ્યું છે. દરમિયાન, ‘આપ'એ આ મામલે દિલ્હી હાઇ કોર્ટમાં અરજી કરી છે, પરંતુ હાઇ કોર્ટે તત્કાળ રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.
અલબત્ત, ૨૦ ધારાસભ્યો ગેરલાયક ઠરે તો પણ દિલ્હીની ‘આપ’ સરકાર સામે કોઇ ખતરો નથી કેમ કે દિલ્હીના ૭૦ સભ્યોના ગૃહમાં તેના ૬૫ ધારાસભ્યો છે. જેમાં ૨૦ ધારાસભ્યો ગેરલાયક ઠરે તો પણ ૪૫ ધારાસભ્યો સાથે તેની બહુમતી જારી રહે તેમ છે. પરંતુ તાજેતરમાં અનેક ચૂંટણીમાં પક્ષની હાર બાદ આ ઘટના તેમના નૈતિક જુસ્સાને વધુ અસર કરે તેમ છે. પોતાના સત્તાવાર પ્રતિસાદમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ૨૦ ધારાસભ્યોની ભલામણ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં છે. તેણે આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શું કહ્યું છે તે જણાવવાનો ઇનકાર કર્યો છે.

અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિનો

હવે રાષ્ટ્રપતિ આ ભલામણ અંગે અંતિમ નિર્ણય લેશે. સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણી કરતી અરજીઓમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પંચને રેફરન્સ કરે છે. જે મામલે ચૂંટણી પંચ નક્કી કરે છે અને તેની ભલામણ મોકલે છે. દિલ્હીમાં ‘આપ’ના સાંસદોના કિસ્સામાં ૨૧ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે એક પિટીશન કરાઈ હતી. પરંતુ એક ધારાસભ્ય જરનૈલ સિંહે પંજાબની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું.
‘આપ’ના છ ધારાસભ્યો ચૂંટણી પંચના નિર્ણય સામે હાઇ કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસની ત્વરિત સુનાવણી કરતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે તેઓ ‘આપ’ની દલીલોથી સંતુષ્ટ નથી અને તેના આધારે તત્કાળ રાહત આપી ન શકાય. કોર્ટે આપના આક્ષેપો મામલે ચૂંટણી પંચનો પણ જવાબ માગ્યો છે.
મુખ્ય પ્રધાન કેજરીવાલના મીડિયા સલાહકાર નાગેન્દર શર્માએ જણાવ્યું હતું કે ઓફિસ ઓફ પ્રોફિટના ખોટા આક્ષેપ મામલે ધારાસભ્યોની દલીલો સાંભળ્યા વગર ભલામણ કરાઈ છે. ભાજપને આ નિર્ણય આવકાર્યો છે અને માગણી કરી છે કે આ મુદ્દે નૈતિક જવાબદારી સ્વીકારીને મુખ્ય પ્રધાન કેજરીવાલે રાજીનામું આપી દેવું જોઈએ. જો ધારાસભ્યો ગેરલાયક ઠરે તો દિલ્હીમાં આ બેઠકો પર પેટા-ચૂંટણી આવી શકે છે અને હાલમાં જે રીતે વિવિધ ચૂંટણીઓમાં ‘આપ’નો દેખાવ થયો છે તે જોતાં દિલ્હીમાં તેની પકડ ઢીલી પડી શકે તેમ છે.
ગત વર્ષે જૂનમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ‘આપ’ના ધારાસભ્યો સંસદીય સેક્રેટરીઓની ઓફિસનો હોદ્દો ધરાવે છે. દિલ્હી વિધાનસભામાં ચૂંટણી જીત્યા બાદ પક્ષે માર્ચ ૨૦૧૫માં ધારાસભ્યોને સંસદીય સચિવોની નિમણૂક આપી દેતા વિવાદ સર્જાયો હતો. નિમણૂકો મામલે વિરોધ પ્રદર્શનો શરૂ થતાં કેજરીવાલ સરકારે ઓફિસ ઓફ પ્રોફિટના કાયદાના અધિકાર ક્ષેત્રમાંથી સંસદીય સેક્રેટરીના હોદ્દાની બાદબાકી કરીને ધારાસભ્યોનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને આ અંગેની ખાનગી પિટીશન ચૂંટણી પંચને મોકલી હતી. એક અલગ ખાનગી પિટીશન પર સુનાવણી કરીને દિલ્હી હાઇ કોર્ટે સપ્ટેમ્બર, ૨૦૧૫માં સંસદીય સચિવના હોદ્દા રદ કરી દીધા હતા.

ઓફિસ ઓફ પ્રોફિટ એટલે શું?

ભારતના બંધારણમાં આ મામલે સ્પષ્ટ વ્યાખ્યા છે. તેના પરિશિષ્ટ ૧૦૨ (એક) હેઠળ સાંસદ અથવા ધારાસભ્ય એવા કોઇ અન્ય હોદા પર ન રહી શકે જ્યાં વેતન, ભથ્થાં અથવા અન્ય પ્રકારના લાભ મળતા હોય. આ ઉપરાંત બંધારણની પરિશિષ્ટ ૧૯૧ (એક) અને જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ નવ (એ) હેઠળ પણ સાંસદો અને ધારાસભ્યોને અન્ય હોદા સ્વીકારવાથી અટકાવી દેવાની જોગવાઇ છે.

કયા ધારાસભ્યો ગેરલાયક ઠરી શકે?

શરદ કુમાર (નરેલા), આદર્શ શાસ્ત્રી (દ્વારકા), પ્રવીણ કુમાર (જંગપુરા), મદન લાલ (કસ્તૂરબા નગર), શિવ ચરણ ગોયલ (મોતી નગર), સરિતા સિંહ (રોહતાસ નગર), નરેશ યાદવ (મહરૌલી), જનરૈલ સિંહ (તિલક નગર), રાજેશ ગુપ્તા (વઝીરપુર), અલકા લાંબા (ચાંદની ચોક), નીતિન ત્યાગી (લક્ષ્મી નગર), સંજીવ ઝા (બુરાડી), કૈલાશ ગહેલોત (નઝફગઢ), વિજેન્દ્ર ગર્ગ (રાજેન્દ્ર નગર), રાજેશ ઋષિ (જનકપુરી), અનિલ કુમાર વાજપેયી (ગાંધીનગર), સોમદત્ત (સદર બજાર), સુખબીર સિંહ (મુંડકા), મનોજ કુમાર (કોંડલી) અને અવતાર સિંહ (કાલકાજી).

ચૂંટણી કમિશનર ઋણ ચૂકવે છેઃ ‘આપ'

આમ આદમી પાર્ટીએ ૨૦ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. ‘આપ'ના નેતા સૌરભ ભારદ્વાજે પંચના આ નિર્ણયને ‘આપ’ સામેનું કાવતરું ગણાવ્યું છે અને મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતિની ટીકા કરી હતી. ભારદ્વાજે કહ્યું છે કે ‘જોતિ નિવૃત્ત થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' જોતિ સોમવારે નિવૃત્ત થઈ રહ્યા છે. ‘આપ'એ કહ્યું છે કે ધારાસભ્યોને સાંભળ્યા વગર જ પંચે એકતરફી નિર્ણય આપી દીધો છે, જે દર્શાવે છે કે તેનું સ્તર કેટલું નીચે જતું રહ્યું છે. ચૂંટણી પંચ ભાજપ અને પ્રધાન મોદી સામે ઘૂંટણિયે પડી ગયું છે તેવો આક્ષેપ પણ તેણે કર્યો છે. એક ટ્વિટમાં ભારદ્વાજે કહ્યું હતું કે જોતિ ૨૩ જાન્યુઆરીએ ૬૫ વર્ષના થશે અને હોદા પરથી નિવૃત્ત થશે. ‘આપ' નેતા આશુતોષે કહ્યું છે કે ‘ચૂંટણી પંચે પીએમઓનું લેટર બોક્સ ન બનવું જોઇએ... પરંતુ તે હવે હકીકત બન્યું છે... એક પત્રકાર તરીકે મેં શેષાનના દિવસો દરમિયાન પંચનું કવરેજ કર્યું છે, પરંતુ આજે હું કહું છું કે ચૂંટણી પંચનું સ્તર ક્યારેય આટલું નીચું જતું રહ્યું ન હતું. જે એક દુ:ખદ વાત છે'.

સોનિયા, જયાએ પણ સભ્યપદ છોડવું પડ્યું હતું

નવી દિલ્હી, તા. ૧૯ઃ ચૂંટણી પંચે ‘આપ’ના ૨૦ ધારાસભ્યોને ‘લાભના પદ'ના મુદ્દે ગેરલાયક જાહેર કર્યા છે. જોકે એવું નથી કે જનપ્રતિનિધિઓ પર આ પ્રકારની કોઈ પ્રથમ કાર્યવાહી થઈ છે. યુપીએ-૧ના સમયમાં ૨૦૦૬માં ‘લાભના પદ'નો વિવાદ સર્જાયો હતો જેના કારણે સોનિયા ગાંધીએ લોકસભાનું સભ્યપદ છોડવું પડ્યું હતું અને રાયબરેલીમાંથી બીજી વાર ચૂંટણી લડવી પડી હતી. સાંસદ હોવાની સાથે સોનિયા ગાંધીને રાષ્ટ્રીય સલાહકાર પરિષદના ચેરમેન બનાવવામાં આવતા લાભના પદનો મુદ્દો સર્જાયો હતો. આ જ રીતે જયા બચ્ચન પર પણ ૨૦૦૬માં આરોપ લાગ્યો હતો કે તેઓ રાજ્યસભા સાંસદ હોવાની સાથે સાથે યુપી ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter