‘આયુષ્યમાન ભારત’માં ૧૧૧ હોસ્પિટલોનો ભ્રષ્ટાચાર!

Wednesday 02nd October 2019 08:05 EDT
 
 

નવી દિલ્હી: આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આયોગ્ય યોજનાનું એક વર્ષ થયું હોવાથી કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને એક કાર્યક્રમમાં યોજના અંગે માહિતી આપી હતી. એ દરમિયાન તેમણે કહ્યુંહતું કે ૧૧૧ હોસ્પિટલોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાથી એ તમામ હોસ્પિટલોના નામ 'નેમ એન્ડ શેમ' ટેગથી વેબસાઈટમાં મુકાયા છે. સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આયુષ્યમાન ભારતની યોજનાને એક વર્ષ થયું હોવાથી યોજના અંગે વિવિધ આંકડા જારી કર્યા હતા. આ યોજના હેઠળ એક વર્ષમાં ૪૭ લાખ લોકોની વિનામૂલ્યે સારવાર થઈ હતી. તેની પાછળ રૂ. ૭૫૦૦ કરોડનો ખર્ચ થયો હતો. ૧૮૦૭૩ હોસ્પિટલોએ આ યોજના અંતર્ગત દર્દીઓની સારવાર કરી હતી. આટલી હોસ્પિટલોમાંથી ૧૧૧ હોસ્પિટલોએ યોજનામાં ગરબડો કરી હોવાનું પણ ડો. હર્ષવર્ધને કહ્યું હતું.

ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમના ભાગરૂપે સરકારે આ હોસ્પિટલોના નામ વેબસાઈટ ઉપર મૂક્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું. નેમ એન્ડ શેમ એવા વિભાગથી આયુષ્યમાન ભારતની સત્તાવાર વેબસાઈટ ઉપર આ તમામ હોસ્પિટલોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આવી પ્રવૃત્તિ બંધ થાય તે માટે હવે દર વર્ષે સરકાર આવી માહિતી વેબસાઈટમાં મૂકશે. તેનાથી હોસ્પિટલો વધુ બહેતર સુવિધા આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter