‘ઇસરો’ની સિદ્ધિઃ એક રોકેટથી નવ સેટેલાઈટ્સ અંતરીક્ષમાં તરતા મૂક્યા

Wednesday 30th November 2022 05:43 EST
 
 

શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેન (ઈસરો) શનિવારે એક સાથે નવ સેટેલાઈટ્સ સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતા મૂકીને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે સુવર્ણ સફળતા હાંસલ કરી છે. ‘ઇસરો’ની સફળતામાં તેના વર્કફોર્સ ગણાતા પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલનું મહત્ત્વનું યોગદાન છે.
‘ઇસરો’એ શનિવારે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ સી-54 (પીએસએલવી) દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-06 સહિત બીજા આઠ નેનો (નાના કદના) સેટેલાઈટને અંતરિક્ષમાં જુદી જુદી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતા મૂક્યા છે. આ આઠ સેટેલાઈટ્સમાં ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા તૈયાર થયેલા પહેલા સેટેલાઈટ આનંદનો પણ સમાવેશ થાય છે.
મિશન ડાયરેક્ટર એસ.આર. બીજુએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારા 44.4 મીટર ઊંચા અને તોતિંગ પીએસએલવીની 56મી સરળ ફ્લાઈટ છે. જોકે, પીએસએલવીની આ પાંચમી અને છેલ્લી ફ્લાઈટ છે. પીએસએલવી-સી 54 પ્રચંડ ધક્કા અને નારંગી રંગની ધ્રૂમસેરો સાથે અફાટ ગગનમાં ઊડ્યું તેની બરાબર 17મી મિનિટે તેને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (ઓશન સેટેલાઈટ)ને અંતરિક્ષમાં 742 કિ.મી.ની સન સિન્ક્રોનસ ઓર્બિટ (સન સિન્ક્રોનસ ઓર્બિટ એટલે સેટેલાઈટ પૃથ્વીના બંને ધ્રુવ ફરતે ગોળ ગોળ ફરીને વિશાળ ક્ષેત્રને સમાવી લે. સાથોસાથ સૂર્ય સામે પણ રહે) સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં મૂક્યો છે.
ઓશન સેટનો મૂળ હેતુ ભારતના તમામ સમુદ્રમાં થતી કુદરતી ગતિવિધિ પર નજર રાખવાનો છે.
ઉદાહરણરૂપે ઋતુના ફેરફાર મુજબ દરિયાના પાણીનો બદલાતો રંગ, દરિયાની સપાટીના તાપમાનમાં થતા ફેરફાર, દરિયાના મોજાંની ઊંચાઈ, દરિયાના પેટાળમાંની ખનિજ સંપત્તિ, દરિયાઈ જીવ સૃષ્ટિ, વનસ્પતિ વગેરેની માહિતી મેળવવી વગેરે. આ તમામ ઉપયોગી માહિતી મેળવવા ઓશન સેટમાં ક્રુ બેન્ડ સ્ક્ટ્ટેરોમીટર અને આર્ગોસ વગેરે વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવેલાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter